આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨: છાયાનટ
 


‘ત્યારે ત્યાં બેસવા શું જોઈને ગયો હતો ?' ત્રીજા માણસે કહ્યું.

‘જગા હોય ત્યાં બેસવું તો ખરું જ ને ?’

‘પણ પેલા ભાઈ ઊઠે ત્યારે ને ?’

‘કોઈ સાહેબ હશે.’ ઘણા સાહેબો ત્રીજા વર્ગની મુસાફરી કરતી વખતે પહેલા વર્ગ જેટલી સગવડ માગે છે એ જાણીતી વાત છે.

‘સાહેબ હોય તો બેસે સેકન્ડ ક્લાસમાં.’ આમ દુઃખ વેઠતા. પરસ્પર ઝઘડતા મુસાફરોમાંથી કોઈને સીધી વાત સૂઝી નહિ કે સૂતેલા માણસને જગાડી બેસાડવો, અને તેણે રોકેલી જગાનો ઉપયોગ કરવો !

ગૌતમને મન આ દૃશ્ય અસહ્ય થઈ પડ્યું. પાટલી ઓળંગી તે ખાનામાં આવ્યો અને મુખ ઉપર હાથ નાખી સૂઈ રહેલા આરામપ્રિય ગૃહસ્થને તેણે ઢંઢોળ્યા.

‘એઈ ! સાહેબ ! ઊઠો. જરા જગા કરો, બધાને બેસવા દો.’ ગૌતમે કહ્યું.

‘નથી ઊઠતા. તારાથી થાય તે કરી લે !’ સૂતેલા માણસે જવાબ આપ્યો. પાસે થઈને જ ગાર્ડ તથા સ્ટેશન માસ્તર જતા હતા તેમને કોઈકે ડબ્બામાંથી કહ્યું :

‘સાહેબ, જરા જગા કરી આપો.’

‘ગાડી તારા બાપની હશે, ખરું ને ?’ સ્ટેશન માસ્તરે ત્રીજા વર્ગના હિંદવાસીની ઈજજત વધારી કહ્યું.

‘અરે પણ અહીં માણસો સૂઈ રહ્યા છે...' કોઈકે સામો જવાબ આપ્યો. તેને અટકાવી સાત પેઢીની ગાડીની માલિકી પોતાની હોય એમ દમામ રાખતા સ્ટેશન માસ્તરે કહ્યું :

‘ચાલ, બેસી જા; ટકટક નહિ કર ! ગાડી હમણાં ઊપડે છે.’ અને ગાર્ડની સિસોટી વાગી તથા ફાનસ હાલ્યું. ત્રીજા વર્ગના મુસાફરોની કાળજી રાખવા બંધાયલા રેલ્વેના અધિકારીઓએ ગાડી ચલાવવાની ફરજ અદા કરવા માંડી. ગૌતમને વિચાર આવ્યો :

‘સાંકળ ખેંચું ?’

પરંતુ સાંકળ તો સંકટ સમયે ખેંચાય ! માપ કરતાં બમણી સંખ્યા મુસાફરોની થાય એનું નામ કાંઈ સંકટ કહેવાય ?

અને કલકત્તાની કાળી કોટડીમાં પૂરીને ગૂંગળાવેલા ગોરાઓની