આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૩૩
 

સાચી કે ખોટી કથની સાંભળ્યા પછી ગોરી રેલ્વે કંપની કાળા હિંદવાસીઓને અનેક કાળી કોટડીઓમાં પૂરી બદલો ન લે તો ગોરી પ્રજાની શ્રેષ્ઠતા ક્યાં રહે ? રેલગાડીનો ત્રીજો વર્ગ રચી કાળી કોટડીઓની એક જંગી કતાર ગોરી કંપનીઓ હિંદવાસીઓ માટે ઊભી કરી રહી છે !

સાંકળ ખેંચતાં સંકટ ઊભું થવાનો ભય ગૌતમને લાગ્યો. તેના પિતા જગા કરી તેની પાસે આવી ઊભા હતા. સાંકળ ખેંચવાનો વિચાર બંધ કરી ગૌતમે સૂતેલા માણસનો જ હાથ ખેંચવાનો નિશ્ચય કર્યો. પરંતુ તે પહેલાં તેણે સૂતેલા મનુષ્યને સહજ ઢંઢોળી પૂછ્યું :

‘દૂરથી આવો છો ?’

‘ફાવે ત્યાંથી આવીએ છીએ.'

‘માંદા તો નથી ને ?’

‘ટકટક કરતો બંધ રહે, સુવર ! માંદો તારો બાપ !’

અને ગૌતમને સૂતેલા માણસનો હાથ પકડી જોરથી ખેંચ્યો. એ મજબૂત મારકણો મનુષ્ય અણગમતે બેઠો થઈ ગયો અને તેણે બાંય ચઢાવી ગૌતમને બે મુક્કાઓ ચઢાવી દીધા.

‘ગૌતમ અહિંસક નહોતો. તેણે પણ સામે થઈ મુક્કાબાજી શરૂ કરી. આખો ડબ્બો ધાંધળમય બની ગયો. ગાડીએ વેગ ધારણ કર્યો હતો. બૂમો પાડતા અન્ય મુસાફરો : સ્ત્રી, બાળક અને યુવાન સવ ધક્કામુક્કીથી દૂર ખસવા લાગ્યાં અને કોલાહલ ખૂબ વધી ગયો.’

વિજયરાયે એકાએક ગાડીની સાંકળ ખેંચી. થોડે દૂર જઈ ગાડીએ વેગ મંદ પાડ્યો અને થોડી ક્ષણ પછી તે અટકી ગઈ.

ડબ્બામાં બેઠેલા મુસાફરો ગભરાઈ ઊઠ્યા. ગાડી અટકવાથી પૃથ્વીનો વેગ અટકી પડ્યો હોય એટલો તેમને ભય લાગ્યો. આસપાસના ડબ્બાઓમાંથી લોકોએ બહાર નજર નાખવા માંડી. કોઈ માણસ કે મૂલ્યવાન સામાન પડી ગયો હોય ! કોઈએ આપઘાત કર્યો હોય ! પાટા ઊખડી ગયા હોય ! માર્ગમાં જાનવર ઊભું રહ્યું હોય ! સામેથી આવતી ગાડી અથડાવાનો સંભવ હોય ! આમ ચારે બાજુએ તર્ક ચાલવા લાગ્યા. ગાર્ડ, એન્જિન ડ્રાઈવર તથા એકબે ટિકિટ કલેક્ટરો સ્થળ ઉપર આવી પહોંચ્યા. દરમિયાન ડબામાં મારામારી અટકી ગઈ હતી. ગાડી રોકાવાથી મારામારી કરનાર માણસને કદાચ લાગ્યું હશે કે તેને પચાસ રૂપિયાનો દંડ ભરવો પડશે. અંદર બેઠેલાં મુસાફરોએ પણ પોતાને માથે જરાય દોષ ન આવે એવું વલણ લેવા માંડ્યું.