આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રેલ્વે સ્ટેશન બહુ મોટું ન હતું. ગૌતમ કે તેના પિતાની પાસે કશો સરસામાન હતો નહિ એટલે ઊતરતાં અને સ્ટેશનની બહાર જતાં હરકત પડી નહિ. ફાનસ હલાવતો પૉર્ટર તથા દરવાજે ઊભેલો ટિકિટ કલેક્ટર બંને ઊંઘરેટા બની પોતાનું કામ કરતા હતા. પોલીસનો એક સિપાઈ પણ બૅન્ચ ઉપર નિદ્રા લેતો હતો. ઉતારુઓ હતા ખરા, પરંતુ ઘણા નહિ. બેત્રણ ઉતારુઓ ઓળખીતા નીકળ્યા. તેમણે વિજયરાયને સલામ પણ કરી. સલામ શહેર કરતાં ગામડામાં વધારે પ્રમાણમાં મળે છે એનો અનુભવ ગૌતમને થયો.

મધરાત વીતી ગઈ હોવા છતાં ગૌતમની બંને બહેનો જાગતી હતી. બારણું ખખડતાં જ સુનંદા અને અલકનંદા દોડી આવ્યાં. સુનંદા પંદરેક વર્ષની હતી; અલકનંદાને બારેક વર્ષ થયાં હતાં. બંને બહેનો ભાઈને વીંટળાઈ વળી. કુટુંબની જીર્ણ સંસ્થામાં ગૌતમને શ્રદ્ધા ન હતી; એ સંસ્થા ઝડપથી તૂટવાને પાત્ર બનતી જાય છે એમ તેની ખાતરી હતી. છતાં બંને બહેનોની આંખમાં ઊભરાતો સ્નેહ તેને જીર્ણ થતી કુટુંબસંસ્થા સજીવન રાખવા સરખો લાગ્યો. એ જ સ્નેહ સાર્વત્રિક બને તો ?

બહેનોએ તેને માટે રસોઈ બનાવી રાખી હતી. નહાવા માટે પાણી પણ રાખ્યું હતું; સૂવા માટે પથારી પણ તૈયાર હતી. મોડી રાત્રે પણ જમવાની ભાઈ ના નહિ પાડે એવી બંને બહેનોની ખાતરી હતી. ગૌતમને પણ બહેનો પ્રત્યે અનહદ પ્રેમ હતો. રાત્રે નોકર સામાન્યતઃ રહેતો નહિ, પરંતુ આજે તેને ઘરમાં જ સુવાડ્યો હતો. તેણે ધીમે ધીમે જાગ્રત થઈ પાણી કાઢવાની તૈયારી કરી.

દરમિયાન બહેનોએ અનેકાનેક પ્રશ્નો ભાઈને પૂછી નાખ્યા :

‘પછી હડતાળનું શું થયું ?’

‘તમને કૉલેજમાં લીધા કે નહિ ?’

‘સજાની વાત સાંભળતાં હતાં તે શું થયું ?’

‘મારામારી તો નથી થઈ ને ?’

‘કશું વાગ્યું તો હશે જ નહિ.’

‘આમાં વાંક કોનો ?’ ભાઈનો વાંક તો બહેનોને મન કદી વસે જ નહિ!