આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬: છાયાનટ
 

નહિ જાઓ ને ?'

‘સારા કામે કેદખાને જવું પણ પડે.'

‘એમ તે હોય ? સારું કામ કરે એને દુ:ખ કદી ન પડે.'

'એ જ તારી ભૂલ છે. આજની દુનિયાએ સારા કામ માટે શૂળી ઊભી કરી છે.'

‘આપણે આપણું કામ સંભાળીને બેસી રહીએ.' સુનંદાએ કહ્યું.

‘એમ બને નહિ ત્યારે ?’ ગૌતમે પૂછ્યું.

વિજયરાયે ઉતાવળ કરી બાળકોને જમાડ્યાં. થોડા જમણમાં વાર વધારે કરી. હસતાં હસતાં વાતો કરતાં જમણ પૂરું થયું, અને ગૌતમ સૂતો. અલકનંદા ભાઈને વળગીને સૂતી. સુનંદા પણ ભાઈના હાથ ઉપર હાથ ફેરવતી પાસે સૂઈ ગઈ.

ગૌતમે વિચાર કર્યો : બહેનોનો પરમ પ્રેમ ! પરંતુ ભાઈના રક્ષણની આજુબાજુ જ સમાઈ રહેલો !

અને દેશ અગર માનવતાની ઊર્મિઓના પ્રચંડ ઉછાળા હજી ગૌતમના ઘર સુધી પણ પહોંચ્યા ન હતા !

દોષ કોનો ? ગૌતમ એ ઊર્મિઓને કેમ ઘર સુધી ખેંચી લાવી ન શકે ? પરંતુ ઘર આગળ જ ગૂંચવાઈ એ જ ઘરની દીવાલમાં ઊર્મિઓ ભિડાઈ જાય તો ?

ગૌતમની આંખ ઘેરાવા લાગી. બહાર વરસાદની ઝડી તૂટી પડી. મેઘનાં પાણી વહી જતાં હતાં. ! છતાં હિંદ ગરીબ અને ભિખારી !

ભિખારીને પણ ઊંઘ આવે છે, નહિ ? આવે. થાકનો નશો ચઢે. પરંતુ નશો ઊતરતાં એ ઊંઘમાં અનેક સંકલ્પસૃષ્ટિઓની અથડામણો ઊભી થાય. ગૌતમની સંકલ્પસૃષ્ટિમાં કોણ ઘૂમતું હતું ?

રાવણ કે કુંભકર્ણ ?

હસે છે ? કુંભકર્ણ તો સૂતો છે !

ના ના. એને ગૌતમે જગાડ્યો ! રેલગાડીના પાટિયા ઉપર એ આખી જગા રોકી સૂતો હતો ?

જાગે એટલે જુદ્ધ ! રાવણરાજ્યનો એ મહિમા ! કુંભકર્ણ તો સૂતો રહ્યો. પરંતુ રાવણ વચમાં આવી ગૌતમને પકડી બેઠો.

ગૌતમનું ગળું દબાવી રાવણે પૂછ્યું :