આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૪૭
 


'કેમ ? ગુંડો બને છે કે ગળું દબાવું ?’

‘ગુંડાગીરીનો સામનો એ મારું જીવન !’ ગૌતમે કહ્યું.

‘એ તારું જીવન ગયું જાણજે !’ કહી રાવણે તેને ગળે વધારે ભાર દીધો. ગૌતમ ગૂંગળાયો. મૃત્યુ શું એનું એને ભાન થવા લાગ્યું. મૃત્યુ અને ગુંડાગીરી વચ્ચે પસંદગી કરવાની હતી.

જીવવામાં હરકત શી ? ગુંડા બનવાની હા પાડયા પછી આગળ ઉપર જોઈ લેવાય !

જીવવું તો ખરું જ. અને જીવવું તો સુખભર્યું. સત્તાભર્યું જીવન જીવવું ! ભલે ગુંડાગીરીથી એ જીવન પ્રેરિત થાય !

‘હું. જીવવા... માગું...' મહા મુશ્કેલીએ ગૌતમે ઉચ્ચાર કર્યો.

‘તો ગુંડાગીરીને તાબે થા. જગતમાં મારું એટલે ગુંડાગીરીનું રાજ્ય છે.' રાવણે જવાબ આપ્યો.

‘ક...બૂ...લ !’

'તને ખબર છે, રામે મારાં મસ્તક કાપ્યાં હતાં તે ?’ સહજ ગળાની પકડ હળવી કરી રાવણે પૂછ્યું. ‘એ મસ્તક ફરીફરી ઊગી નીકળતાં હતાં તે તેં કદી વાંચ્યું છે ?’

‘એ મારી શક્તિ હજુ ચાલુ જ છે. યાદ રાખજે.'

‘મને લાગે છે કે કદાચ તે શક્તિ વધી પણ હોય.' ગૌતમે કહ્યું. રાવણ સહજ પ્રસન્ન દેખાયો.

‘સાચી વાત. તું જલદી સમજ્યો તો બચ્યો. નહિ તો...’ રાવણે ગળેથી હાથ સમૂળ છોડી દીધો, અને ગૌતમ એકાએક બેઠો. થઈ ગયો. તેના મુખ ઉપર વિહવળતા હતી.

‘કેમ ભાઈ, ઊંઘ ઠીક આવી, નહિ ?' કોઈ બીજી સૃષ્ટિમાંથી અલકનંદાનો સૂર તેને સંભળાયો.

માનવી કેટલી સૃષ્ટિઓમાં ફરે છે ? ફ્રોઈડનું Sub-conscious mind-સુષુપ્ત માનસ - સમજ્યાથી, ઓળખ્યાથી એ સૃષ્ટિએ ઓછી થતી નથી. વહેમના યુગમાં ગૌતમ જન્મ્યો હોત તો જરૂર આ સૃષ્ટિદર્શનમાં ઈશ્વર, દેવ કે રાક્ષસી તત્ત્વોની રમત તે જોતો હોત !

દેવપૂજાની એક ઘંટડીનો આછો રણકાર તેને કાને પડ્યો. તેના પિતા હજી પૂજાપાઠ કરતા હતા. વહેમનો યુગ હજી ક્યાં અસ્ત થયો છે ?