આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૪૯
 


‘નાનાં જીતે અને મોટાં હારે એ જ કાયદો સારામાં સારો છે.' ગૌતમે કહ્યું અને તેણે ઊઠી ચા પીવાની તૈયારી કરી.

પરંતુ એ સારો કાયદો કોઈ પાળે છે ખરું ? ગૌતમના મનમાં વિચાર આવ્યો. સમાજ ડગલે ને પગલે એ કાયદાનો ભંગ કરે છે એના ગૌતમને પ્રત્યક્ષ દાખલાઓ જોતજોતામાં મળી આવ્યા.

ચા આપતે આપતે સુનંદાએ ધીમે ધીમે એક ગીત શરૂ કર્યું :

ઉડી હવામેં જાતી હુઈ
ગાતી ચીડીયાં. એ રાગ.


આવો પ્રીતમ હિલમિલ ખેલેં
પ્રેમપ્રીતકા ફાગ.

દેશી ચલચિત્રો પ્રત્યે ગૌતમને બહુ માન ન હતું, છતાં એ ચિત્રોમાંનાં ગીતોની વ્યાપકતા તેને ઘણા ઘણા વિચારો પ્રેરતી હતી. સમાજને, અજ્ઞાન તેમ જ અજ્ઞાન સમાજને સરળ સુંદર વૈવિધ્યભર્યા લય, રાગ તથા મીઠી મીઠી ભાવનાઓની ગીત ભૂખ સતત રહ્યા જ કરે છે. શેરીએ શેરીએ અને ઘેર ઘેર પહોંચી જતાં એ ગીતોમાં કોઈ એવું તો તત્ત્વ જરૂર રહ્યું છે કે જે એ ગીતોને સર્વત્ર આવકાર અપાવે છે.

પ્રેમ અને પ્રીતના ફાગથી ભરપૂર એ ગીતો બાલપણથી ગાનાર જરૂર અતિકામી કે સ્ત્રૈણ બન્યા વગર રહે જ નહિ. ગુજરાત અને હિંદ એ બંને વિચિત્રતાઓ વચ્ચે ઝૂલ્યા કરે છે : કામની અતિશયતા અને તેમાંથી પરિણામ પામતું સ્ત્રૈણ ! પરંતુ


ઈન્કિલાબ ઝિંદાબાદ !

ગાવાની જે દેશમાં મનાઈ થાય;

વંદે માતરમ્ !

ના ગીતોમાં મુસ્લિમોને મૂર્તિપૂજાનો હાઉ જે દેશમાં બતાવવામાં આવે, એટલું જ નહિ, જે દેશ એ મનાઈ સહન કરી લે, અને ગુલામીનાં ચોકડાં મુખે બંધાયલા રાખી જે દેશના મુસ્લિમો હિંદુઓ સામે બાપમાર્યાનાં વેરઝેર ઊભાં કરે - હિંદુ માતાપિતાનું રુધિર મોટે ભાગે મુસ્લિમોની નાડીઓમાં વહેતું હોવા છતાં - એ દેશ ચલચિત્રોની શક્યતા પ્રજાઘડતરમાં શા અર્થે વિચારે ? એ દેશના સિનેમા તો કામોત્તેજક જ હોય ! બીજા ઉત્તેજક ભાવની શક્તિ રહિત પ્રજા એને જ વધાવે.

એકાદ સિનેમા સ્ટુડિયોની બધી જ વ્યવસ્થા ગૌતમને હાથ લાગી જાય તો ? ક્રાન્તિની ઝડપમાં વધારો શું ન થાય ?