આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦: છાયાનટ
 


‘ધીમું ધીમું કેમ ગાય છે ? ખુલ્લે સૂરે ગા.' ગૌતમે પોતાની વિચારમાળા તોડી કહ્યું. સુનંદાએ જરા શરમાઈ ગીત બિલકુલ બંધ કરી દીધું અને કહ્યું :

‘મને ક્યાં ગાતાં રાવડે છે ?’

ખરે, સુનંદાનો અવાજ બહુ જ મીઠો હતો. તેણે સંગીતની તાલીમ લીધી ન હતી છતાં અટપટાં ગીતો તેને ગળે ઝટ બેસી જતાં, અને તે બહુ જ સુરીલી ઢબે એ ગીતો ગાતી. એને સંગીતમાં ઊંચા પ્રકારનું શિક્ષણ મળે તો તે સંગીતમાં નિષ્ણાત બની સંગીત દ્વારા ક્રાન્તિ જગાવવામાં પૂર્ણ સહાયભૂત બને એમ હતું. પરંતુ ક્રાન્તિનાં ગીતો રચવાની તાકાત કયા કવિમાં હતી ? ક્રાન્તિનાં ગીતો ઝીલવાની પણ તાકાત કોનામાં હતી ?

તાકાત તો આવે, પણ આ ગરીબ ભારતમાં સંગીત શીખવાની પણ કોને સગવડ હતી ? ગૌતમની બહેનને તો નહિ જ. ચાળીસ કે પચાસની માસિક આવકમાં જીવન ગુજારનાર પ્રતિષ્ઠિત ગણાય. તેના પિતા પ્રતિષ્ઠિત દેખાતા હતા. એમની જ દીકરીને સંગીત શીખવા માટેનું સાધન નહિ !

એવી કેટલી સંખ્યા ?

પણ એનાયે કરતાં વધારે મોટી સંખ્યાની પ્રજાને ગાવાનો વિચાર પણ આવતો નથી, એનું શું ?

'આવું સારું તું ગાય છે ને ? મને પૈસા મળશે એટલે પહેલી રકમ તારા સંગીત શિક્ષણમાં હું વાપરીશ.’ ગૌતમે કહ્યું.

‘પણ મને લોકો ગાવા દેશે ત્યારે ને ?’ સુનંદા બોલી.

‘લોકો ! શા માટે તને ગાવા ન દે ?' જરા આશ્વર્યથી ગૌતમે પૂછ્યું.

‘મોટાભાઈને પૂછી જોજો.'

‘મારે નથી પૂછવું. તું ગા મોટેથી.’

‘મોટાભાઈ વઢશે.'

‘હું સમજાવીશ; ગાવામાં વઢવાનું શું ?’

સુનંદાએ ભાઈના ઉત્તેજનથી પ્રેરાઈ જરા મોટેથી સુંદર રીતે ગાવાનું શરૂ કર્યું. ત્યાં તો આસપાસની બારીઓમાંથી મસ્તક ડોકાવા લાગ્યાં. એ મસ્તકોની આંખમાં સંગીતપ્રેમ ન હતો. પરંતુ ચિકિત્સા ટીકા અને નિંદા હતાં.

પૂજા કરી રહેલા વિજયરાય એ ઓરડામાં આવ્યા. તેમની આંખમાં ઠપકો સ્પષ્ટ વંચાયો.