આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬: છાયાનટ
 

ગૌતમ આગળ ધસ્યો અને ખમચ્યો. દીનાનાથ જોડે જ હતો.

'કેમ ઊભો રહ્યો ?’ દીનાનાથે પૂછ્યું.

‘જખમીની સારવાર કરવા જતાં હું આજ એક વખત તો ખૂની ગણાઈ ગયો. ફરી એ મૂર્ખાઈ કરવી કે કેમ ?’ ગૌતમે કહ્યું.

‘કોણ એવું કહે છે ?’

‘આપણા પ્રિન્સિપાલ સાહેબ - પોલીસને બાજુએ રાખીએ તો.'

‘અરે, પણ પેલા ચન્દ્રકાન્તનું ‘ડાઈંગ ડેકલેરેશન[૧]' તને ઊની આંચ પણ આવવા દેવાનું નથી.’

ક્રિકેટ મૅચમાં જખમી થનાર વિદ્યાથીનું નામ ચંદ્રકાન્ત હતું.

'ચંદ્રકાન્તનું શું થયું?'

‘ગુજરી ગયો. બિચારો !’

‘એમ ?’

‘ઘા તો જીવલેણ ન હતો, પરંતુ એને લાગેલો Shock[૨] જીવલેણ નીવડ્યો.'

‘ઘા અને આઘાત બે જુદા પડે ખરા કે ?’

‘ડૉક્ટરે એવું નિવેદન કર્યું અને એમાંથી જ તોફાન વધ્યું.’

‘કેવી રીતે ?’

‘ચન્દ્રકાન્તના પિતાએ આમ કહેનાર ડૉક્ટરને જ ઘાયલ કર્યા.’

'પછી?'

‘એનું મગજ ખસી ગયું, અને મુસ્લિમોને દેખે ત્યાંથી મરવા લાગ્યા. એમાંથી આખા શહેરમાં તોફાન ફેલાયું છે. તને શોધવામાં અમે છયે જણ અહીં ફસાઈ ગયાં છીએ.'

'ક્યાં?'

‘મિત્રોના ઘરમાં. તને ત્યાં લેઈ જવાનો છે.'

‘આમ ઘરમાં બેસી રહેવાનું છે ?’

‘ત્યારે બીજું શું થાય ? રહીમ આપણી સાથે જ છે, અને આ મહોલ્લો હિંદુઓનો છે.' ધીમે રહી દીનાનાથે કહ્યું.

કૉલેજના દોઢસો બિરાદરો સાચા બિરાદરો બન્યા હોત તો ! આજ એ આખું ટોળું બહાર નીકળી હિંદુમુસલમાનોની ઘેલછાને દાબી શકત.


  1. ** મરણોન્મુખ જવાબ.
  2. ≠ આઘાત.