આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮: છાયાનટ
 


‘ચોખ્ખી ના ! પણ મને તેની દરકાર નથી. મેં તો કહ્યું જ હતું ને કે એવા પ્રિન્સિપાલના હાથ નીચે ભણતા સ્વર્ગ મળતું હોય તોય હું ન ભણું!'

‘હજી કાલ ક્યાં ગઈ છે ? ચાલ, ચા પી લેઈએ. અજાણી જગાએ મહેમાન થયા છીએ એ નિશાનો પ્રતાપ !’ શરદે કહ્યું.

એટલામાં બારણાં ઉપર પથરા ફેંકાવા લાગ્યા અને લાકડીઓના પ્રહાર પડવા લાગ્યા. કોલાહલમાં એટલું સમજાયું :

‘અહીં સંતાડ્યો છે ! મુસલમાન છે ! કાઢો બહાર !’

સહુના દેહમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. શું રહીમની ખબર ટોળાને પડી ગઈ હતી ? અંગ્રેજી ઢબના કપડાંમાં સજ્જ રહેતો રહીમ ભાગ્યે જ પોશાક ઉપરથી મુસલમાન જેવો લાગતો હતો !

અંદરના ઓરડામાંથી ઘરના માલિક, માલિકનાં પત્ની અને તેમની દીકરી મિત્રા ઉતાવળાં ઉતાવળાં આવી પહોંચ્યાં. ત્રણેમાં વધારે ગભરાટ ઘરમાલિકના મુખ પર હતો. સટ્ટામાં અકસ્માત ધન મેળવી તેને સાચવી રાખી એ ધન ઉપર પ્રતિષ્ઠિત ગણાતા એ ગૃહસ્થ સુધરાઈમાં સભ્ય હતા. મનનું કે તનનું જરા પણ શોષણ ન થાય એવાં કેટકેટલાં સ્થાનો અંગ્રેજી રાજઅમલમાં હિંદીઓ માટે સ્થપાયાં છે ! સહજ ધનનો ખર્ચ કરતાં એમાં પ્રતિષ્ઠા મળે છે. પરવારતા ધનિક બાબરાઓ માટે સુધરાઈ, પંચાયત, ગ્રામોદ્ધાર, જે. પી. કેળવણી બૉર્ડ, ઉદ્યોગબૉર્ડ, યુદ્ધસહાય, સંકટનિવારણ, અનાથયોજના, ભિખારીત્રાસમુક્તિ સફાઈમંડળ જેવા ચઢઊતર કરનારના કૈંક વાંસ આપણા દેશમાં સ્થળે સ્થળે ઊભા કરવામાં આવ્યા છે. એમાંના એકબે વાંસ ઉપર શેઠ ભગવાનદાસ વર્ષોથી ચઢઊતર કરતા હતા. ગાંધીજી સ્ટેશને આવે ત્યારે ખાદીનાં ટોપી-કપડાં પહેરી હાથકાંતણના તારનાં ભરાવદાર ગૂંછળાં હાર તરીકે આપવાને તત્પર રહેતા આ ગૃહસ્થ, ગર્વનર કે કલેક્ટરની અવરજવર વખતે પરદેશી તારદોરા અને કસબવાળા સુગંધિત દેશી પુષ્પોના ગુચ્છ લેઈ કડકડતા પરદેશી વસ્ત્રોમાં બરાબર હાજર રહી શકતા હતા. ગાંધીવાદી નેતાઓને ચા પીવા બોલાવી બ્રિટિશ રાજ્યઅમલની વગોવણી કરવાનું તેઓ ચૂકતા નહિ. તે સાથે કલેક્ટર કે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મળતાં ગાંધીવાદીઓની બેવકૂફી અને ચાલચલગત વિરુદ્ધની કંઈક વાતો તેઓ ખુલ્લી કરી આપતા હતા. કૉન્ગ્રેસનું જોર હોય ત્યારે કૉન્ગ્રેસની બાજુએથી પોતાની ઉમેદવારી નોંધાવતા; તેમ ન હોય તો સ્વતંત્ર ઉમેદવાર બની સરકાર તથા કૉન્ગ્રેસ એ બંનેને ખાતરી આપતા કે તેમની વફાદારીમાં વાંધો આવવાનો નથી.

આ પ્રતિષ્ઠિત ગૃહસ્થને ઘેર અચાનક ગૌતમને શોધવા નીકળેલા