આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૯૭
 

 ફોજદાર તો ફાળમાં ને ફાળમાં ‘કુકડૂ કુ, કુકડૂ કૂ, કુકડૂ કૂ,' એમ બોલતો નીચે નમતો તેમજ ઊંચો થતો રહ્યો. પાછળ ઊભેલો રાયદે પોતાના સાથીઓને લઈ ચૂપચાપ ચાલી નીકળ્યો. છેક બે ગાઉ નીકળી ગયા, ને અહીં ગોંડળની વાર આવી પહોંચી. તેને પણ ફોજદાર તો રાયદેની જ ટોળી સમજી ‘કુકડૂ કૂ’ કરતો રહ્યો. પાર્ટીવાળા કહે કે, ‘સાહેબ, આ શું કરો છો?’ સાહેબ શરમાઈ ગયા.

‘સામત, પેથા, જેસા, સાંમાં, સુણો,’ એમ કહીને રાયદેએ સાથીઓને સમજ પાડીઃ ‘પાણ નામ લાઈ નીકળ્યા અયું. તો હણે પાણ વાસે સત રાજજી ઘસતું ફિરેતીયું. તો હીનકે બીચારેક હણે પાણ નોતરો દિયું, ભલે અચે. કારણ કે જો પણ જીતીન્દા તો લક્ષ્મી કીર્તિ વધની; જો મરીન્દા તો વૈકુંઠ વીન્દાને પાણજી કાયા અમર રિન્દી. હીનકે મારીન્દા તોય લાભ અય, પાણકે મારી ઉખે તોય લાભ: કીં ભા, કો ચ્યોતા?’ (આપણે તો નામ રહે માટે નીકળ્યા છીએ,, આપણી પાછળ સાત રાજની ફોજો ફરે છે. તો આ બિચારાને નોતરા દઈએ. ભલે આવે. કારણ કે જો આપણે જીતીશું તે કીર્તિ ને લક્ષ્મી વધશે ને મરશું તો વૈકુંઠ જશું, ને આપણી કાયા કાંઈ અમર રહેવાની નથી. આ લોકોને મારીશું તોય લાભ, ને એ આપણને મારી નાખે તો પણ લાભ. કેમ ભાઈ, શું કહો છો?)

સાથીઓએ હા કહી, સહુ ઊપડ્યા. બરડાના ડુંગરમાં એક ગામ આવ્યું, ત્યાં પ્રાગડ વાશી (પરોડ થયું) ને એક