આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલે ખાંભે
૧૨૩
 

લાખાપાદર થાણાનું આકર્ષણ મારાં બાળ–ચક્ષુઓમાં ઊલટા જ પ્રકારનું હતું.

અંગ્રેજી બીજા ધોરણથી જ જેણે એક અગિયાર વર્ષના બાળકને માવતરથી ઊતરડીને વીશ માઈલ વેગળો અભ્યાસ માટે ફગાવી દીધો હતો, પારકાં ઘરના ટુકડો રોટલાનો અને પૂરું છાલિયું પણ નહિ એટલી છાશનો ઓશિયાળો કરી મૂક્યો હતો, તે જ આ લાખાપાદર થાણું એ પરઘરાવલમ્બી બાળકને માંદગીના કે લાંબી ટૂંકી રજાના દહાડા આવતાં, ગાય વાછરુને ખેંચે તેમ ખેંચતું અને પાણીના પ્રવાહ વચ્ચે આવતાં કદી કદી બેસી જનાર ટારડા ટટ્ટુ પર, અગર તો ઊઠતાં તેમ જ બેસતાં અસવારના શિશુ–શરીરને શીર્ષાસનની તાલીમ આપતા ઉસ્તાદ સરીખા અઢાર–વંકા ઊંટની પીઠ પર જ્યારે બેસીને આ અગિયાર વર્ષનો પરજીવી બાળક એક પછી એક ગામડાં પાર કરીને આવતો હતો....એ જામકું, શીલાણું, શેત્રુંજીની આભઊંચી ભેખડ–ટોચે કોઈક ધક્કો મારે ને નીચે જઈ પડે એવું જણાતું એ ભથ્થ, એ દરબાર સાહેબનું ગામ ઢસા, દહીડા, ગરમલી.... ત્યાં તો આઘેરી ધરતી ઉપર, ઘટાદાર વૃક્ષોની લેલુંબ, હરિયાળાના એક વિસ્તીર્ણ કુંડાળાની વચ્ચે, વેરાન સૂકા જમીન–ટુકડા પર ઊભેલાં થોડાંક ચૂનાબંધ ખોરડાં દેખાય, પછી શેલ નદીના જળ–ઘૂઘવાટ સંભળાય, ઊંટ કે ઘોડું લગભગ ઊંધે માથે થઈને નીચે ઊતરે એવા એ નદી પાર કરવાના ઊંડવઢ આરામાં તે પગ મહામહેનતે પેઘડાંમાં