આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુભવની કામધેનુનું દોહન
૧૩૧
 


ભાઇ રે !
બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું નૈ લગાર રે,
સૂરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસપરસ એક તાર રે,

ભાઈ રે !
નામ ને રૂપની મટી ગૈ ઉપાધિ ને,
વરતી લાગી ઈંડથી પાર રે;
ગંગા રે સતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે.

આ ચાલીશેકના મંડલમાંથી અહીં ફક્ત બે જ આપું છું. ગંગા સતીની વાણીની આમાંથી જરૂરી વાનગી મળી રહે તેમ છે. એની ભાષા સરળ મીઠી ગુજરાતી છે. વેદાન્ત− દર્શન જેવા ગહનગંભીર વિષયનું દોહન લોકવાણીના માટી−પાત્રમાં થયું છે. સંસ્કૃતના સુવર્ણ−કટોરામાં જેવું ઉપનિષદ–ક્ષીર સોહે છે તેવું જ આ સોહે છે.

કારણ એ છે, કે આ તો અનુભવની કામધેનુનું દોહન છે. પરાયું ઉછી−ઉધારું લીધેલ નથી. સમગ્ર ઉત્કૃષ્ટ ભજન વાણીનું સાચું રહસ્ય એ જ છે, કે એ સ્વાનુભવની વાણી છે. ‘કબીરની નકલ જ કરી છે આ ગુજરાતી લોકસંતોએ’, એવું કહીને કાંકરો કાઢી નાખનારાઓને કહીએ, કે એકાદ નકલ તો કરી આપો ! જોઈએ, લોકકંઠે ચડી શકે છે?

આ તો વહેતાં વહેન છે. ગંગા સતીનાં આ ભજનો પ્રચલિત છે. બેઠકમાં ગવાય છે, શુદ્ધ પાઠે જ બોલાય છે.