આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લું પ્રયાણ
 


છોકરી ત્યાં આવી. કલાપી અને એ છોકરીની ઝાંખ મળતી આવી. કાંઈક જોઈ શકાયું. છોકરી ચાલી ગઈ તે પછી ઠાકોર સાહેબને પૂછ્યું: ‘એક વાત પૂછું, બાપુ?’

‘તારે પૂછવા જરૂર નથી. તું જે સમજ્યો છે તે સાચું છે.’ એટલું જ કહીને કલાપી અટકી ગયા.

‘—ને પછી થોડાં વર્ષો બાદની એક રાત્રિએ લાઠીથી બે જુવાન ખવાસો હડાળે આવ્યા. વળતા પ્રભાતે એ બેઉ અહીં આપણે બેઠા છીએ તે જ આ દીવાનખાનામાં ઊભા હતા. મને કહે કે ઠાકોર સાહેબે અહીં અમને ઘોડા લેવા મોકલ્યા છે. એ લઈને અમે આજે પાછા જઈ શકીએ?’

‘મેં શાંતિ જાળવી. પછી મેં એ ભાઈઓને મહામહેનતે કહ્યું: ‘ગઈ કાલે રાતે, ઠાકોરસાહેબે મોંઘી સાથે પરણી લીધું છે.’

મોંઘી — શોભના.

‘હું એ બેઉ મૂંગા ઉભેલા જુવાનોની સામે જોઈ રહ્યો. એમાંના એકની આંખોમાંથી આંસુની ધાર છૂટી પડી.

‘એ હતો મોંઘીનો—કલાપીની શોભનાનો ધણી. બીજો હતો રણછોડ—શોભનાનો બનેવી. બન્ને લાઠીના મહેલના ખવાસ. હું શું આશ્વાસન આપું ? આટલું જ બોલી શક્યો: ‘થવાનું થઈ ગયું ભાઈ! હવે રડ નહિ.’

‘અમને ઘોડા લાવવાને બહાને કાઢીને આ કરવું’તું!’ જુવાનની છાતી ફાટતી હતી.