આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
છેલ્લું પ્રયાણ
 

સુધી. હું અઢી વર્ષ આ ગીતો પાછળ રખડ્યો છું. ને અત્યારે તો હું રેડિયો પર ગ્રામ–કાર્યક્રમમાં આ ગીતો ગાવા જાઉં છું. પછી મળીશ.’

મોટરો, ટ્રામો ને ગાડીઓની આંટીઘૂંટીમાંથી એ તો એનું દાસ્તાન લઈને અદ્રશ્ય થઈ ગયો. પછી તુરત મારા સાથી સ્નેહીને મારાથી કહી બેસાયું: ‘લોકસાહિત્યને નામે જે બજારુ બનાવટો ચાલી રહી છે, તેની વચ્ચે આજે ઘણે વખતે એક અસલી અને નક્કર વસ્તુ આ આદમીની પાસે મને માલૂમ પડી. એ ભાઈ કોણ છે?’

‘ન્યૂ ઈરા સ્કૂલના ચિત્ર–શિલ્પના શિક્ષક.’

ન્યૂ ઈરા પર ટેલિફોન કર્યો, ભાઈ જમુ દાણીની જોડે ગોઠવણ કરી. અને મુંબઈ છોડવાની આગલી રાતે, એક મિત્રને ઘેર, એ ચિત્રશિક્ષક મધુભાઈ અને એમના નાનાભાઈ, બન્નેએ આવી ત્રણેક કલાક એમની દરિયાકાંઠાની સૂરતી જન્મભોમનાં જે લોકગીતો સંભળાવ્યાં તેણે અંતર ભીંજવી આપ્યું. એ ગીતોના શબ્દોએ અને સ્વરોએ ગુજરાતની ધરતીને બોલતી કરી. તાલ લયની અનેકવિધતા, ભાવોની વેધકતા, અને ગુજરાતના એક નાના શા પ્રદેશમાં બોલાતી લોકબોલીની લહેકતી મિષ્ટતાઃ એણે પ્રતીતિ આપી, કે કોઈ પણ એક ખૂણેથી ગુજરાતને નિહાળો, ગુજરાત સોહામણી છે, અધિકાધિક અને અવનવી નમણાઈ ધારણ કરીને એ આપણી સન્મુખ પ્રકટ થાય છે. એના રૂપનો પાર નથી. મનમાં એક જ ઊર્મિતરંગ ઊઠે છે:—