આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લું પ્રયાણ
 


વાજસુરવાળા એટલે તો જીવન–સ્મૃતિઓના મહાનિધિ. રાજકોટની કુમાર–કૉલેજના દિવસો પરથી પાંસઠ વર્ષનો પડદો ઊંચકે અને આપણને દેખાય: આઠ દસ વર્ષનો એક કુંવરડો, જેને ઓચિંતા સુરસિંહજી કલાપી નામના કિશોર ત્યાં ભેટ્યા. બે કિશોરોનાં મન મળ્યાં, બેઉની ઓળખાણ એકના મૃત્યુ સુધી ગાઢ મિત્રાચારીમાં પરિણમી. એ પડદો ઊંચકીને વાજસુરવાળા પોતાના નેકપાક અંગ્રેજ પ્રિન્સિપાલ મેક્નોટન સાહેબની પિછાન કરાવે છે. હિંદી સંસ્કારિતાનું યથાસ્થાન સમજનાર એ વિદેશી મુરશિદ પ્રત્યેનો એમનો પૂજ્યભાવ હજી જેવો ને તેવો છે.

એક વાર અન્ય કુમાર–કૉલેજની ક્રિકેટ–ટીમ રાજકોટ સામે રમવા ઊતરી, ફલેનલનાં સૂટ અને હૅટ સજેલા એ પ્રતિપક્ષીઓ બતાવી મેક્નોટન સાહેબે પોતાના દેશી પરિ- ધાનધારી કુંવરોને કહ્યું કે ‘જોઈ લો, સરખાવો, પરદેશી લેબાસમાં એ બધા કેવા લાગે છે; ને તમે તમારા સુરવાળ- સાફામાં કેવા શોભો છો !’

એકવાર કુમાર વાજસુરવાળા કૉલેજ—છાત્રાલયમાં ‘વડા નિશાળિયા’ને પદે હતા. નાનેરાઓ પર તેમને નજર રાખવાની હતી. સાથેના બીજા નિશાળિયાઓ કાંઈક વાત કરતા બેઠા છે. કૉલેજની કશીક ત્રૂટીઓની ચર્ચા કરે છે. કોઈક ચાડિયાએ પ્રિન્સિપાલના કાન ફૂંક્યા. મેક્‌નોટન સાહેબે કંઈક ભૂલભર્યું પગલું લીધું. મેક્‌નોટન પાસે જઈ વાજસુરવાળા જરા કોચવાયા, ખરી હકીકત કહી સમજાવી મેક્‌નોટન સાહેબ રડી પડ્યા. ગુરુ–શિષ્ય બેઉ રડ્યા.