આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
છેલ્લું પ્રયાણ
 


'બહારવટિયો તો ચાલ્યો ગયો. ગિરધર પારેખ મહારાજ પાસે ગયા. મહારાજે કહ્યું: 'તમે ઉતાવળ ન કરો. વષ્ટિ ચાલે જ છે. અમારે પણ બહારવટું લાંબું ચાલે તે પાલવે નહિ.'

'એવામાં ગિરધર પારેખના દીકરા જમનાદાસ પરણે. જાન ડેડાણ કીકાણીને ત્યાં જાય. કુંડલાથી ડેડાણ દસ ગાઉં. રસ્તો ઘણો ખરાબ. જાનમાં એકસો ગાડાં. અઢીસો વેળાવીઆ, વાણિયા પચાસ. બહારવટિયા સાથે વેર એ બીકથી આટલો બંદોબસ્ત.

'ડેડાણમાં વિચાર થયો, આપણે દુશ્મનાવટ પાર પાડીએ. કોઈની સાથે બહારવટિયાને કાગળ મોકલીએ.

'ભગવાનભાઈ કહે કે, 'ના, ના, હું જ બહારવટિયાની પાસે જઈશ.'

'અરે, મારી જ નાખે.'

'મારે નહિ.'

'એક બેલગાડી લીધી, એમાં વીશ મણ લાડવા લીધા, ને પહોંચ્યા સાણાને ડુંગરે.

'ડુંગર પર ચાડિકો બેઠેલ.

'એને ભગવાનભાઈએ નિશાની કરી, ધોળા ખેસથી.

'ચાડિકે આવવા ઈશારત કરી, ગયા, ને કહ્યું: 'આપાને ખબર આપો.'

'ગયા ડુંગરાની અંદર, બહારવટિયાના રહેઠાણમાં. બધા જોઈ રહ્યા.