આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[]

સજણ ગિયાં ને શેરીયું રહી !

વિશ્વ-સાહિત્યમાં ઠેકાણે ઠેકાણે બે તત્વોને સામસામે છેડેથી ખેંચી લાવીને ભેગાં બેસારેલા જોવાય છે: મરણ અને પરણ, લગ્નમંડપ અને મસાણ, કંકુ અને ભસ્મ. મારી ટાંચણપોથીનાં નવાં પાનાંમાં પણ એવાં બે તત્વોની જોડી બની ગઈ છે, એક જ શાહીએ ને કલમે, એકી બેઠકે, (અનુમાન થાય છે કે ચાલતી ટ્રેનમાં કોઈક ભરવાડે કથેલાં) ત્રુટક છૂટક જે કવિતાના ટુકડા ટપકાવ્યા છે, તેમાં પહેલું આ પદ છે -

કાયા બાંધી કટે લાકડે,
કરતાં શ્રીફળ ચાર;
પંડ પરમાણે પાંભરી,
ખોટપેને તાર. (?)
નગરમાંથી નનામિયું નીકળિયું,
તે દી' નેજા ફરકે ચાર.

મસાણે જેને મડાં લૂંટશે,
વાશે વા ને ઊઠશે સેલીયું;