આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
છેલ્લું પ્રયાણ
 


વાટ છે જૂની ને પગ નવો,
ચંગો માડુ જાય,
કરને હૈડા પંખડી
મીટે મેળા થાય.

મીટે મેળા થાય તે ધડી દો ઘડી.
ખેલાડુ સાજણ જાશે વહાણે ચડી.

ગયાં સ્વજન, વહાણે ચડી ગયાં, હૈયાએ પાંખ કરી નહિ, પછી તો રાત્રીએ-

સજણ સ્વપને આવિયાં,
ઉરે ભરાવી બાથ,
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં,
પલંગે પછાડું હાથ.

પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું.
વાલાં સજણ સાટુ ખોબલે આંસુ ઢાળું.

આદર્યા કામ તે અધવચ રિયાં,
જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં.

¤

વિપ્રલંભની ઊર્મિ સર્વ સંયમ સાચવતી સાચવતી યે વધુ ને વધુ આંતરિક ઉત્કટતા ધારણ કરે છે–

સાજણ વોળાવી હું વળી,
આડાં દીધાં વંન;
રાતે ના'વે નીંદરા
ને દી’એ ન ભાવે અન્ન.

દી'એ ન ભાવે અન્ન તેં અણોસરાં;
નાખવાં બાણ તે કાઢવાં કાળજ સોંસરાં.