આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
છેલ્લું પ્રયાણ
 


ત્યાંના પોલીસ ઉપરી શ્રી છેલભાઈને ઘેર હતો. આગળ કહી ગયો છું કે પોલીસખાતાનો નીચલા નોકરોનો બેડો એ જૂની જૂનીવાર્તાઓને શોધવાનું સારું ઠેકાણું છે. નીચલા થરના એકેએક વર્ણનાં માણસો સીધા ધરતીને ખોળેથી સિપાહીગીરીને શરણે આવ્યા હોય છે. કોઈ હળ હાંકતો, કોઈ ધોરીની રાશ હેઠી મેલી દઈને, કોઈ ગૌધણની લાકડી ફગાવી, કોઈ જુગાર ખેલતો બ્રાહ્મણ, કોઈ ઠાકરદુવારાની પૂજામાં ન જંપી શકેલો બાવો, કોઈ કજાડો મિયા, તો કોઈ જુવાનીમાં ભુજાઓ ફાટતી હોય છતાં ગ્રામજીવનમાં જેને એ ભુજબળ ક્યાં જોતરવું એની કળ ન પડતી હોય તે પીડનકારી બનેલો કાંટીઓ, કે રંગભંગી, બાવાસાધુઓની જોડે ગાંજાની ચલમો ચસકાવતો, પાણશેરડે બેસી રહેતો, ખેતરોના સીમાડા સારુ લાકડીએ આવતો ફાટેલો કાઠી ગરાસીઓ: એવા એવા કેકને માટે રસાલા અને પોલીસબેડા આખરી આશરાસ્થાનો બને છે. એની ભુજાઓના મદને બંદૂકો પરેડ-કવાયતો ગાળે છે. માતેલા સાંઢ હોય તે ઉદ્યમી શિસ્તવશ વ્યવસ્થાપકો બને છે. બેત્રણ વર્ષે થોડા રૂપિયા બચાવી એ પરણે છે, અને પોલીસ લાઈનની જે ઓરડી પૂર્વે વાંઢાઓને અખાડો બની રહી હોય છે તેની પરશાળની ખપાટ-જાળી પર એકાએક એક દિવસ ગુણપાટના ચક બંધાયેલા માલૂમ પડે છે. અંદરથી ફક્ત બંગડીઓના રણઝણાટ, મસાલો વાટવાના ઉપરવટણાના લસરાટ અને રોટલાના ટપાકા સંભળાતા થાય છે. પાણીની હેલને કાખમાં ઘાલીને ઘેરદાર ચણિયો લપેટેલ ઓઢણીવાળી એ નવી વહુ ઘૂંઘટ તાણીને બહાર નીકળે છે. અને એ બાર રૂપિયાના