આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૮૯
 


રજા ડિયાંતી. પણ ધ્યાન રાખીજ. મુંજી કૂંખ લજાઈજ મા. ને માતાજી તોજી રક્ષા કરે. વીંજ, લોઢેજા કમાડજો રીન્દો. આશિષ દિયાંતી.’ (જો બેટા, પણ ધ્યાન રાખજે, મારી કૂંખ લજાવીશ નહિ. જા, માતાજી તારી રક્ષા કરે. ને તું લોઢાનાં કમાડ જેવો રહીશ. આશિષો દઉં છું. પણ કુંવારી જાન ન લૂંટજે, જે ગામ ભાંગ તેનું દૂધ ન ખાજે, મીઠામાં હાથ પડે તે ગામની લૂંટ મૂકી દેજે.)

બેટાને છાતીએ લીધો ત્યારે રાયદેએ પગે લાગી, રડતાં રડતાં ભાંગ્યા તૂટ્યા શબ્દો કહ્યા: ‘મા, માફ કરીજ. આંઉ કીં પણ આંયજી સેવા કરી નાંઇ સક્યો. (મા માફ કરજે. હું તારી કોઈ પણ સેવા કરી ન શક્યો.)

રાયદે ચાલ્યો ગયો તે પછી તુરતજ રાજબાઈ ઘરમાં અલોપ થઈ ગયાં.

રાયદે અમરેલી જઈને લાન્સરમાં દાખલ થયો. ત્યાં વધીને દફેદાર બન્યો. ત્યાંથી એની બદલી રાજકોટ થઈ. ત્યાં પોતે કમાન્ડિંગ સાહેબનાં મડમ પાસે જઈ બેસતો ને વાતો કરતો. મડમે રાયદેને ભાઈ તરીકે માન્યો હતો. પણ રાયદે બેઠો બેઠો એક દિવસ વિચાર કરે છે: ‘આંઉ તો હીતે નોકરી કરાતો, પણ વેર તા હી ને હી રઈ વિયો.’ (હું આંહીં નોકરી કરું છું, પણ વેર તો એમ ને એમ રહી ગયું)

મડમે પૂછ્યું, ‘ક્યા વિચાર કરતા હે રાયદે ?’