પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૧૫
 

છે. જડેશ્વરથી દક્ષિણે ચારેક ગાઉ ઉપર લાલા મહારાજની જન્મભૂમિ સિન્ધાવદર છે, અને બેએક ગાઉ નૈરુત્યે ડુંગરાઓની ખીણમાં પંચદ્વારિકાનું તીર્થ છે; ને આશરે અઢીક ગાઉ પશ્ચિમે મહર્ષિજીનું જન્મસ્થાન જીવાપર, અને ત્ય્હાંથી દોઢેક ગાઉ વાયવ્યમાં ડેમી નદીને કાંઠે ટંકારાનું કસ્બાતી ગામ છે. જડેશ્વરના શિવાલયનો જીર્ણોદ્ધાર કાઠિયાવાડના ઇતિહાસમાં મશહૂર એક અદ્‍ભૂત કાદમ્બરીના નાયક સરિખડા જીવનવૃત્તાન્તવન્તા સુંદર સોદાગરે કીધો હતો, ને મહર્ષિજીના વડિલો પણ ત્‍હેમના જ આશ્રિતો તરીકે જોડિયા પાસે કચ્છના અખાતને કિનારેથી ટંકારા ને જીવાપરમાં આવી વસેલા હતા. મહર્ષિના જન્મસમયમાં એ ટંકારા મહાલ વડોદરાના મહેરાળ કુટુંબમાં ગીરો મુકાયેલો હતો. ટંકારા પાસે ડેમી નદીનો કાંઠો આજે યે કંઈક રળિયામણો ને મ્હોટાં વૃક્ષોથી શોભીતો છે. તે વખતે ટંકારા ને જીવાપર વચ્ચે વાડીઓની ઘટાઓ હતી. ઈ. સ. ૧૮૯૬ માં આ લેખકે ટંકારા પહેલવહેલું જોયું હતું ત્ય્હારે એ મહાલનું મથક આજનાથી વધારે હરિયાળું, ડેમીના કાંઠા વધારે ફળદ્રુપ, ને વસ્તી વધારે વિદ્યાવન્તી ને રિદ્ધિવન્તી હતી. કહે છે કે મહર્ષિના સમયમાં મોરબીના ઠાકોર સાહેબ પણ વરસમાં કેટલાક માસ ત્ય્હાં વિરાજતા. કાઠિયાવાડમાંનાં ઘણાંખરાં ગામડાંઓની પેઠે ટંકારાની મુદ્રા આજે તો તજી દેવાયેલ જેવી, અજ્ઞાનઅન્ધકારમાં પડેલી, રિદ્ધિસિદ્ધિ હરાયેલી, પ્રભાઝાંખી છે. ટંકારાના વિદ્વાન બ્રાહ્મણો આજ સુધી કાઠિયાવાડમાં ફરતા, ને કલ્યાણકારી વેદમંત્રોથી આ લેખકનું ઘર પાવન કરી જતા. હવે પછી ત્‍હેમના વંશજો