પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૧૯
 

જગતની જાણમાં નથી. આજન્મ બ્રહ્મચારી સ્વામીજી એ વિષ જીરવવા ઘણું મથ્યા, પણ મારવાડના સંતપ્ત દેશમાં અન્તે તે ફૂટી નીકળ્યું. મર્મભેદી બાણ વાગ્યા પછી યે ભીષ્મ પિતામહ બાણશય્યા ઉપર કેટલોક કાળ મૃત્યુને ખાળી રહ્યા હતા, તેમ નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વામીજીએ પણ વિષદાન પછી કેટલાક દિવસો સુધી રોગશય્યાને સેવી. આબુના શીતળ શિખરે બ્રહ્મર્ષિ વસિષ્ઠજીને ખોળે કાંઈક શાન્તિ વરતાણી, ત્ય્હાં તો બે દિવસમાં તારથી દાક્તરની અજમેર બદલી થઈ. દાક્તરે રાજીનામું આપ્યું તે નામંજૂર થયું. જે દાક્તરના ઉપચારથી આરામ વર્તાતો હતો ત્‍હેની સાથે સ્વામીજી પણ અર્બુદાચળથી ઉતરી અજમેર પધાર્યા. ત્ય્હાં, ચહુવાણોના અચળ કીર્તિસ્થંભ સરિખડા તારાગઢની છાયામાં અનન્તનાં આમન્ત્રણ સ્વીકારી જીવનલીલા સંકેલી લઈ ભારતવર્ષનું ભાગ્ય ભાવિને સોંપી અનસ્ત સમાધિમાં સ્વામીજી પોઢ્યા.

હિન્દુસ્તાનમાં ઘરઘરમાં દેવપૂજા હોય છે, પણ તે ધર્મવીરોની ધર્મપૂજા હોય છે. ફ્રાંન્સમાં નેપોલિયન, ને ઇંગ્લાંડમાં નેલ્સન ને વેલિંગ્ટન, જર્મનીમાં બિસ્માર્ક ને મોલ્ટકેની મૂર્તિસ્થાપનાઓ છે, પણ હિન્દમાં ગાંડીવધન્વા કે ભીષ્મ પિતામહ, મહારાષ્ટ્રકુલતિલક શિવાજી કે મહારાણા પ્રતાપની પૂજામન્દિરે મૂર્તિપ્રતિષ્ઠા જાણી નથી. અન્ય દેશોની મૂર્તિપૂજાથી નિરાળી હિન્દની મૂર્તિપૂજા ધર્મપૂજા છે. ગુરુ નાનકને શીખસંઘ પૂજે છે, સૂરજકુલભૂષણ રઘુવીરને