પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 

શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સન્તાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી
મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી
સંસ્થાનોની વેલ;
મહાસાગરના પૃથ્વીવિશાળ
સરોવર કીધાં ગુર્જરી બાળ. ધન્ય હો !

૧૦.

વનેવન લીલો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમુલખ બાગ !
સજાવ્યા જૈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર;
ભારતીએ કંઈ ફૂલફુવારો
અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી
દિલનાં પરિમળ દીધ !
હિન્દ માતની લાડિલી બાળ !
ગુર્જરી ! જય ! જય ! તવ ચિરકાળ ! ધન્ય હો !