પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 

પરિમલ પમરી સુધાપ્રભાના
કમલ ખીલ્યું મહીં એક ચન્દ્રી કેરૂં.


નમી આ આંખડી મ્હારી ભાળી એ દેવબાલિકા;
મન્યા સૌ જગના લોકો, નમી સૌ ઝાંખી તારિકા.


જેવું ઝૂલે સાગરઉર નાવડું,
કે મેઘને અંક કપોતિની રૂડું;
એવી સખિ ! ચન્દ્રકલા સુઝૂલતી,
જ્યોત્સનાસરે એકલ ભીંજતી જતી.


ગાજે છે મધ્યરાત્રી, ને ગાજે છે તેજ નિર્ઝરી;
ગાજે છે ખોખરા શબ્દે દૂર સાગરખંજરી.


કો ' સ્નેહી કેરા સ્નેહના કુંજઆરે
અખંડજ્યોત્સના સ્નેહરાણી પધારે,
ને એકલી એ સ્નેહકુંજે ઝઝૂમે :
મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રી એકાકી ઘૂમે.


એકલાં ઉગવું, સ્‍હોવું, એકલાં આથમી જવું :
સ્નેહથી છલકતા આ સંસારે એમ શે થવું ?


દેવિ ! અમારા ઉરમાં પધારજો !
દ્વારે દીપો એમ દિલે સદા હજો !
અત્મા વિશે રંક, ગરીબ બારણે
આ પાટ માંડ્યા સહુ આપ કારણે