પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૨૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ચિત્રદર્શનો
 

શ્રદ્ધા, સરલતા, શુશ્રૂષા હતાં.
જગતની જનની જેવી
સુન્દરી ભરી ભરી ભાસતી.
દૃષ્ટિમાં સન્તોષ ને શાન્તિ હતાં,
આંખડીમાં અનેક સંસાર મટમટતા.
ઉદારલોચન, પ્રસન્નવદન, શીલશીતલ,
ચન્દ્રિકા વિસ્તરતી પૂર્ણિમા જેવી
ઉરદેહની વસન્ત વિસ્તરતી,
સ્વામીવ્રત શી અવિચલ
ઉમ્મરની સ્ફટિકશિલાને પાટે
સૌભાગ્યવતી ઉભી હતી :
જાણે જગતની જગદીશ્વરી.

પડોશમાં આંબાવાડિયાં હતાં.
મહીંથી કોયલોની કલ્લોલવાણી
માધુર્યના અભિષેક કરતી.

સન્મુખ માધવીનાં ફૂલ ખરેલાં હતાં :
જાણે ત્હેનાં મુખનાં વેરાયેલ વેણ.

કુલાશ્રમને આંગણે વસન્ત પધારી હતી,
ચોકમાં નન્દનનાં ચન્દન વર્ષતાં.
આનન્દવદને ભગવતી
વન્દન વન્દી વસન્ત પૂજતી :
કુંકુમ ને અક્ષત ચ્‍હડાવી