પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૪૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૩૭
 

પ્રારબ્ધ અને પુરુષાર્થ ઉભયના પ્રકાશ અને પડછાયા એ માનવશિખર ઉપર પડી પોતપોતાના વિધવિધ રંગોની રંઘોળીની જીવનભાત પાડી ગયેલ છે. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ સમા થોડાક મહાન વિદેશી ગુજરાતીઓ સમા શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ એક મહાન ગુજરાતી છે. યૌવનકાલમાં મુંબઈ નગરીના સિંહ સર ફિરોઝશાહ મહેતા અને ગુજરાતભક્ત પ્રેમશૌર્યનો ડંકો વગાડનાર કવિ નર્મદ જેવા કેટલાક ગુજરાતી વીર પુરુષોના નામોચ્ચારણથી ગુજરાતીઓના કલ્પનાતરંગ હિન્ડોલે ચ્‍હડે છે ત્‍હેવા થોડાક ક્લ્પનાપ્રકાશક ગુજરાતીઓમાંના એક મહારાજ સયાજીરાવ છે. પ્રાચીન યુગમાંથી નવયુગમાં થયેલી અને થતી ગુજરાતની યુગસન્ક્રાન્તિના આદિનાયક કવિ દલપતરામથી માંડીને આજ સુધીના એ સન્ક્રાન્તિકાલના સર્વ ગુર્જરવિચારકો અને કાર્યધુરંધરોમાં વડોદરાના વર્તમાન નરેશનું સ્થાન પ્રથમ સિંહાસને છે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ અને સર્વવિશાલ દેશીરાજ્યનાં છેલ્લાં પાંત્રીશ વર્ષથી કમાન ઝીલનાર ને મુગટ ધરનાર ગુર્જર મંડલીકેશ્વરનું જીવનચરિત્ર પ્રેરક, ઉલ્લાસક અને આનન્દાશ્ચર્યજનક છે. ઈ. સ. ૧૮૬૩માં મરાઠાઓના કવલાણાના ગામડામાં જન્મેલા ગોપાલ બાલકનું ગુજરાતને સ્મરણપ્રિય ખંડેરાવ મહારાજનાં સદ્‍ગત મહારાણી જમનાબાઈ સાહેબને ખોળે દત્તક લેવાઈ ઈ. સ. ૧૮૭૫માં ગુર્જરાધીશ બનવું; ઈ. સ. ૧૮૭૫ થી ૧૮૮૧ સુધી છ વર્ષના સતત પરિશ્રમથી એ નિરક્ષર ગ્રામ્ય ગોપાલના આરસપહાણને ઘડી ઘડી સયાજીરાવ