પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
ચિત્રદર્શનો
 

કન્યાવિક્રયનિષેધના કાયદા, પુરોહિત ખરડો, સર્વજાતિઓમાં પરસ્પર લગ્નની છૂટ, એ અને એવા સંસારસુધારાને પ્રસરાવનારા કાયદાઓ ઘડી પ્રજાને અનિષ્ટ રૂઢિબન્ધનોમાંથી મહારાજે કાંઈક મુક્ત કરેલ છે. ન્યાયખાતું, પોલિસખાતું અને રાજયનાં અન્ય ખાતાંઓની નિયમબદ્ધ ને પદ્ધતિપુરસ્સર ખિલવણી મહારાજના અમલ દરમિયાન જ થયેલી છે. એ સૌ રાજ્યતંત્રની વર્તમાનતા મહારાજ સયાજીરાવના રાજસિંહાસને પધાર્યા પછીની જ છે.

મહારાજનો એ પ્રત્યેક મહાપ્રયાસ છે, પણ સયાજીરાવ ગાયકવાડનો પ્રજાઉદ્ધારનો પરમ પ્રયાસ આમાંનો કોઈ નથી, એ તો નિરાળો જ છે. એ પ્રયાસ સાથે મહારાજના મંત્રીવર અને અમાત્યશ્રેષ્ઠ ભારતરત્ન રમેશચન્દ્ર દત્તનું કીર્તિવન્ત નામ સદાનું જોડાયેલું રહેશે. પ્રજાપ્રતિનિધિત્વનો જે મહામન્ત્ર ભારતપ્રિય નામવર માર્કિવસ રિપનને મુખેથી સાંભળ્યો હતો, એને પોતાની પૃથ્વીયાત્રામાં દેશદેશાન્તરમાં જેનાં મૂર્તિમન્ત પુણ્યદર્શન મહારાજે કીધાં હતાં, એ મન્ત્રપ્રેરણા પચ્ચીસ વર્ષે પોતાની પ્રજાના જીવનમાં સ્થાપવાનો સયાજીરાવ ગાયકવાડે પ્રસંગ લીધો, ને રાજનીતિનિપુણ અમાત્યે મહારાજના એ સદ્‍ વિચારને ઝીલી લઈ સિદ્ધ કીધો. બ્રિટનમાં જેમ પેરિશ ને કાઉન્ટી કાઉન્સીલો છે તેમ હિન્દમાં યે પ્રાચીન અને મધ્યકાલમાં ગામડામાં ગ્રામ્યપંચાયતો હતી. નગરોમાં લોર્ડ મેયરો સમા નગરશેઠો હતા. લોકલ બોર્ડ અને મ્યુનિસિપાલિટિની નવી