પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૮૧
 

ઘેરે નાદે મુખની મોરલી બોલતી,
ન્હાને ડગલે પૃથ્વી ઉપર પગલાં પાડતા,
પુણ્યના પરિમલે જીવનનું પુષ્પ વિકસતું.
પ્રફુલ્લ બૃહસ્પતિની જોડલી સમોવડી
નયનબેલડી ત્‍હમારી પ્રોજ્જવલ પ્રકાશતી,
વિશાલ તેજસ્વી ભાલદેશે
અનેક રેખ ત્રિપુંડ્‍ સમી
તત્ત્વચિન્તનની રેખાઓ લંબતી.
જ્ઞાનભારે ભમ્મરો નમતી,
અનુભવના અંબારથી અંજાયેલાં
પોપચાં ધીમેશથી પડતાં-ઉપડતાં.
ફિલસુફની તત્ત્વલીનતા ને ચિન્તનસમાધિના
વદને ઊંડા પડછાયા પથરાતા.
યૌવનનો ઉઘાડ છતાં વિકારહીન,
બુદ્ધિવૈભવ છતાં અડગ શ્રદ્ધાવાન,
પ્રારબ્ધવાદી છતાં નિરન્તર પુરુષાર્થી,
અદ્વિતીય ગુરુ છતાં સદાના શિષ્ય,
મહાતત્ત્વજ્ઞાની છતાં યે
એકાન્તિક ભક્ત ત્‍હમે હતા.
અભ્યાસના ખાલી કુંભમાં
ટૂંકા જીવનનો ઉભરાતો અનુભવ
નીતારી નીતારી ભર્યો હતો.
જડદેહે બટુકજી જણાતા.
પણ ચેતનદેહે વિરાટરૂપ વિલસતા.