પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
ચિત્રદર્શનો
 

ને નારાયણ ભગવાને કેસરતિલકે
ગુરુરાજ ! ત્‍હમને વધાવ્યા હતા :
ને દેવભાગનું નૈવેદ્ય ધરાવીને જ
દેવદત્ત વૈભવ ત્‍હમે ભોગવતા.
લીલમલીલી અમ ગુજરાતની અમરાઇએ
નવશિક્ષણની ત્‍હમે શાખ હતા.
પ્રાચીનઅર્વાચીન ઉભયમાં વિશ્વાસુ,
પૂર્વપશ્ચિમ ઉભયમાં શ્રદ્ધાવાળા,
રાજાપ્રજા ઉભયમાં આસ્તિક ર્‍હેતા.
સદ્‍ગુરૂ સહજાનન્દજી ને મહાત્મા અફલાતુન
ઉભયના પરમ ઉપાસક હતા.
કાલના આદિથી કવિઓ
પુષ્પના ગુણાનુવાદ ગાઈ રહેવા
મથે છે, પણ નથી ખૂટ્યા એ :
મહાનુભાવી ગુરુદેવની તો પછી
ગુણગીતા કેમ ગવાઈ રહે ?
નેતિ, નેતિ, નેતિ, ભગવાન !


આયુષ્યની ઉજમાળી સ્મૃતિઓ
કોને નથી સતાવતી ?
સુખનાં સ્મરણોમાં ઊંડું દુઃખ છે,
દુઃખનાં સ્મરણોમાં ઊંડું સુખ છે.
પુરાણાં સુખ સંભારતાં યે
દિલ દાઝે છે, ગુરુજી !