આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાડવે ઝાડવું અટવાઈ ગયું છે.
સાંસો ખાલ મેલે એવી
આરડ બોરડ અને કેરડાની ઘટા બંધાણી છે.
સાગના દોરિયા નેવું નેવું હાથને માથે ડોકાં કાઢી રહ્યા છે.
વાંદરા ઓળાંબો કોળાંબો રમે છે.
રીંછ કણકી રહ્યાં છે.
અને
નવ નવ હાથ લાંબા ડાલામથ્થા સાવજ
એવી તો ઝરડકિયું દિયે છે કે
ગ મ મ મ મ મ! નેસના ડુંગરા હલમલી હાલે છે.

એમાં રાજાને એકલું એકલું લાગવા મંડ્યું. ડુંગરાની ખોપો જાણે હમણાં ખાઈ જાશે એમ ડાચાં ફાડીને બેઠેલી છે. રાજાજી મૂંઝાઈને જ્યાં પાછળ નજર કરે ત્યાં કોણ? મનસાગરો પ્રધાન! "અરે મનસાગરા! તું આહીં કેવો?"

"મહારાજને એકલા મૂકું તો મને કાળી ટીલી ચોંટે."

"અરે રંગ રે મારા મનસાગરા, રંગ."

મનસાગરાની સાથે અફીણ હતું તે ઘોળીને કસુંબા પીધા ત્યાં તો સૂરજ મહારાજે કિરણ્યું કાઢી. મનસાગરે અડખે પડખેથી આવળિયાં, બાવળિયાં, લપોળિયાં, ઝપોટિયાં વીણી લાવીને ચકમક ઝેગવ્યો. ઈંધણાંનો દેવતા પાડ્યો. અને પછી -

વાલિયા ગાબુના વાડાની બજર,
અછોટિયા વાડનો ગળ
મછુની કાંકરી
અને ઊંડનું પાણી

કર્યાં ભેળાં. ચલમ ભરીને એવો દેવતા માંડ્યો કે ચલમ ઊંધી વાળો તો ય તિખારો ન ઝરે.

હોકાની ત્રણ ફૂંક લીધી ત્યાં તો રાજાની કાયામાં કાંટો આવી ગયો. પણ આઠ પહોર થયાં અંજલિ પાણી નહોતું મળ્યું એનું કેમ? રાજાના ગળામાં કાંચકી બંધાઈ ગ‌ઈ. રાજા પાણી પાણી પોકારવા મંડ્યા.

ઝાડે ચડીને મનસાગરે જોયું તો આઘેરાં જાનવર ઊડતાં જોયાં. જાણ્યું કે હાં, ત્યાં પાણીનું થાનક હશે. મનસાગરો પ્રધાન તો પંખીની પધોરે પધોરે પાણી ગોતવા ગયો.

રાજા નજર કરે ત્યાં સામે જ કાળાન્તરનાં જૂનાં પાંચ દેવળ દેખ્યાં. ઝાડવાની ઘટા જોઈ. નિમેષ વાર થ‌ઈ ત્યાં તો ઘ ર ર ર ર! કરતો દખણાદી દિશામાંથી રથ ઊડતો આવે છે અને એ રથને પાંખાળા ઘોડા જોડેલા છે.

આવીને રથ દેવળે ઊતર્યો. અંદરથી અપસરા નીકળી. નીકળતાં તો ત્યાં તેજનાં કિરણ પડી ગયાં. અપસરાએ રાજાને ભાળ્યો. દેવળમાં જ‌ઈને પૂજા કરી. પાછી નીકળી.