આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજાની સામે આંખના તારલા નોંધ્યા. કંકુવાળા ચોખા કર્યા. નારિયેળ દેખાડ્યું. છ આંગળીઓ ઊંચી કરી. કટાર ઉઘાડીને પોતાના પેટ સામે ધરી. અને પાછી રથમાં બેસીને ઘ ર ર ર ર! રથને ઉડાડી મેલ્યો.

રાજા તો 'ઓ જાય! ઓ જાય!' એમ બોલતો રહ્યો.

મનસાગરો પાણી લ‌ઈને આવે ત્યાં તો 'ઓ જાય! ઓ જાય! ઓ જાય!' એમ જાપ જપાય છે. બીજી કંઈ શૂધબૂધ રાજાને રહી નથી.

મનસાગરો કહે કે "અરે હે રાજા! શું તમે ગાંડા થયા છો?"

"મનસાગરા, એક અપસરાનો રથ દખણમાં ગયો. અને એ મને કાંઈક નિશાની કરતી ગઈ. ઓ જાય! ઓ જાય! ઓ જાય!"

"અરે ચુડેલ હશે, ચુડેલ! અપસરા કેવી? ચુડેલથી બી ગયા લાગો છો. થૂંકી નાખો, થૂંકી નાખો."

"મનસાગરા! હવે થૂંકાય નહિ. હવે તો એ અપસરા રાંધે તે દિવસે હું અન્નજળ લ‌ઉં!"

"હવે અન્નજળ નહિ લ્યો તો જાશો મારા બાપ પાસે, છાનામાના પાણી પી લ્યો ને!"

પણ રાજા તો એકનો બે ન થયો. એના ઘટડામાં તો 'ઓ જાય! ઓ જાય! ઓ જાય!'ના જ સૂર બંધાઈ ગયા છે. મનસાગરાને લાગ્યું કે ના, ના! રાજા ગાંડો નથી. કાંઈક કૌતુક થયું હશે.

મનસાગરો મંદિરમાં ગયો. જ‌ઈને જુએ ત્યાં તો કંકુ કેસરનાં પગલાં : ધૂપ : દીવો : અને ચોખા : અહાહા! અપસરા તો સાચી! નીકર મહાદેવની આવી રળિયામણી પૂજા ન કરે. પણ એની સમસ્યામાં એ શું સમજાવી ગ‌ઈ?

મનસાગરો તો બુદ્ધિનો સાગર હતો. એણે એક પછી એક સમસ્યા લ‌ઈને પોતાના મનમાં અર્થ બેસાર્યો :

શ્રીફળ અને ચોખા બતાવ્યા એટલે શું? હાં બરાબર; એનો મર્મ એ કે હે રાજા, હું તને વરી ચૂકી છું.

પણ છ આંગળી એટલે? હાં, હાં, છ મહિના તારી વાટ જોઈશ.

અને કટારી પેટ સામી ધરી એ શું? બરાબર, તું નહીં આવ્ય તો કટારીથી મારો દેહ પાડીશ.

હવે એણે શંકરના પદમની પૂજા શા સારુ કરી? એનું નામ શું પદમાવતી હશે? હા, બરોબર એમ જ.

પણ એનું ગામ કયું? હાં, એણે પદમ ફરતાં કનકનાં ફૂલ ગોઠવ્યાં છે : એટલે કનકાવતી નગરી હશે.