આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનસાગરો બોલ્યો: "હવે બાળી જાણ્યો. એમાં આવડી બધી બડાઈ શું કરી રહ્યો છે? બસ બાળી જ જાણ છ? કે કે'દી કોઈનું ઠાર્યું છે ખરું?"

નાગ વિચારમાં તો પડી ગયો. એટલે બરાબર લાગ જોઈને મનસાગરે ટોણો માર્યો કે, "આવી જા, રવદ બાંધ : કાં તો તેં બાળ્યાં છે એટલાંને ફરી વાર લીલાં કરી દે તો હું ઊઠબેસ કરું, નીકર તેં બાળ્યાં છે એને હું હમણાં લીલાં કરી દઉં તો તું ઊઠબેસ કરીશ? છે કબૂલ? અરે, આબરૂ ધૂડ થ‌ઈ જાય ધૂડ! મોટા શેષનાગે ઊઠબેસ કરી એમ માણસ વાતું કરે, ખબર છે?"

નાગના હૈયામાં ધ્રાસકો પડ્યો કે 'વાત સાચી! આ મારો બેટો માનવી જો ક્યાંક ઝાડવાં લીલાં બનાવી દેશે તો મારી આબરૂ પડી જાશે!' એ બોલ્યો : "એમ! જોવુ છે? આ લે ત્યારે!"

એટલું બોલીને નાગે મોઢામાં અમૃતની કોથળી હતી તે દાબીને ફરરર કરતી એક ફૂંક મારી. ત્યાં તો બળેલાં ઝાડવાંનાં ઠૂંઠાને કૂંપળાં ફૂટી નીકળ્યાં. ચારે દિશામાં લીલવણી પથરાઈ ગ‌ઈ. લીલું લીલું થઈ ગયું.

અને રાજાનીયે મૂર્છા વળી ગ‌ઈ.

નાગ બોલ્યો: "લે, હવે તારા પેટની વાત કર."

મનસાગરો તાળી પાડીને બોલ્યો: "હા...હા...હા...હા...! તને કેવો મૂરખ બનાવ્યો, દોસ્ત! ગાંડિયા, એટલુંયે ન સમજ્યો કે કાળા માથાનાં માનવી તે ક્યાંય સૂકાનાં લીલાં કરી શકતાં હશે! મારે તો મારા રાજાને સજીવન કરાવવો હતો એટલે તારી પાસે અમી છંટાવ્યું, મૂરખા!"

નાગને તો રૂંવે રૂંવે ક્રોધની ઝાળ થ‌ઈ, પણ હવે શું કરે? એની ઝેરની કોથળી તો ખાલી થ‌ઈ હતી! એ તો ફરીવાર છ મહિને ભરાય.

ફેણ માંડીને નાગ બોલ્યો: "યાદ રાખ બેટમજી, સ્વાતનું નખતર વરસે, અધ્ધરથી એનાં ફોરાં ઝીલું, એનું હળાહળ ઝેર કરું અને તું જ્યાં હો ત્યાંથી ગોતીને ડંસ કરું. કરડ્યા ભેળો ત્યાં ને ત્યાં પાણી જ કરી નાખું!"

"લ્યો ત્યારે બાપજી! લેતા જાવ! બોલ્યા એના ગણ!" એમ કહીને ઉઘાડી તરવારે મનસાગરો ઊછળ્યો અને એક ઘા ઝીંકીને નાગના બે કટકા કરી નાખ્યા.

“લ્યો બાપા! સદગતિ કરજો તમારા જીવને! મૂંગા રહ્યા હો તો કાંઈ હતું?”

નાગના કટકા બે ઘડી તરફડ્યા. રાજાએ અને મનસાગરે રથ હાંકી મેલ્યો. ઠણણ! ઠણણ! ઠણણણણ!

આવી પહોંચ્યા કનકાપરીના પાદરમાં. જુએ ત્યાં પાદરમાં ફૂલવાડી હિલોળા લઈ રહી છે. માળી કિચૂડ! કિચૂડ! કોસ હાંકે અને ગાલે મસનાં ટીલાંવાળી ચાંપલી માલણ ભાત લઈ ચાલી આવે છે. મનસાગરે વિચાર્યું કે અજાણી ભોમકા છે, ઉતારા તો માલણને ઘેર કરીએ તો ફાવીએ.