આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બરાબર બે ડુંગરા પાસે આવી પહોચ્યા. પાસે જ‌ઈને મનસાગરે પોપટને ઉડાડ્યો. બેય ડુંગરા પોપટને કચરવા દોડ્યા. ભટકાઈને પાછા વળ્યા, એટલે સડેડાટ રાજાના રથને મનસાગરે ઓળંગાવી દીધો.

રાજાએ આ કૌતુકનું કારણ પૂછ્યું. મનસાગરો મૂંગો રહ્યો. રાજાને વધુ દુઃખ લાગ્યું : આ મારી સામે કોણ જાણે કેવાંયે કારસ્તાન કરી રહ્યો હશે! ઓહોહો! વાણિયાનાં પેટ આવડાં બધાં ઊંડાં!

રાજાએ તો મનસાગરાની સાથે જાણે અબોલા આદર્યા. તોય મનસાગરાના અંતરમાં કાંઈ દુઃખધોખો નથી. એ તો રાજાના રથના મોઢા આગળ પોતાનો ઘોડો મૂંગો મૂંગો હાંક્યે જાય છે.

ત્યાં તો સૂરજનાં કિરણોમાં ઝળળક! ઝળળક! ઝળળક! થતો વેઢ રસ્તે પડેલો છે. મનસાગરો ચેતી ગયો કે હાં! આ જ પેલા ગરુડપંખીએ કહેલો વેઢ. રાજાની નજર ચુકાવવા એણે પોતાના ઘોડાને વેઢ આડો ઊભો રાખ્યો. પણ ભાતભાતના રંગે ઝબૂકતો વેઢ એમ કેમ અછતો રહે? જાણે એમાં તો નીલમ, માણેક અને પદમ જડ્યાં હોય ને!

"એ... એ ઓલ્યો વેઢ!" રાજાએ રથમાંથી બૂમ પાડી. "કોઈ પદ્મણીના હાથમાંથી પડી ગયો લાગે છે," એમ કહીને રાજા લેવા દોડ્યો. મનસાગરે જાણ્યું કે હમણાં રાજાનો પ્રાણ જાશે. એટલે રાજા પહોંચે તે પહેલાં તો મનસાગરે વેઢને પોતાના ભાલાની અણીએ ચડાવીને આઘે ફગાવી દીધો. ફુંફાડા મારતો તંબોળિયો થ‌ઈને વેઢ ચાલ્યો ગયો. પણ રાજાએ તો એવું કાંઈ જોયું નહિ. એને તો રૂંવે રૂંવે ઝાળ થ‌ઈ. ખિજાઈને એણે પૂછ્યું: "મનસાગરા! મારો વેઢ કેમ ફગાવી દીધો?"

"બસ! અમારી મરજી!"

સાચું કારણ તો મનસાગરો કેમ કરીને કહે? કહે તો પથરો બની જાય. અને હજુ તો રાજાને માથે ત્રણ ઘાત બાકી રહી હતી. મનસાગરો અબોલ રહ્યો. રાજાએ રોષે ભરાઈને દાંત ભીંસ્યા.

આગળ ચાલ્યા, રાજધાનીનું પાદર આવી પહોંચ્યું. નગરમાંથી સાત વીસ સામંતો સામૈયું લ‌ઈને આવ્યા છે; ગામની બહેન-દીકરીઓ રાજારાણીને કંકુના ચાંદલા કરીને મીઠડાં લેવા મંડી છે. શરણાઈઓના ગળતા મધુરા સૂર ગાજી રહ્યા છે. દેવળે દેવળે નોબતો ગડેડે છે. કોટને કાંગરે કાંગરે ઘીના દીવા બળે છે. એવી રોશની અને રંગની છોળો મચી રહી છે, ત્યારે મનસાગરો ક્યાં ઊભો છે ?

મનસાગરો આ કલ્લોલમાં ભળતો નથી. એના મોં પર ચિંતાનું વાદળું ઝળુંબે છે. એ તો ઊભો છે સામૈયાના ઘોડાની વાટ જોતો. જરિયાની સરંજામમાં શોભતો ઘોડો પોતાની ઝગમગતી ઝૂલડીઓ ફરફરાવતો, હીરનાં ફૂમકાં ડોલાવતો, ઝાંઝરિયાળા પગ માંડીને રૂમઝૂમ રૂમઝૂમ નાચ કરતો કરતો, કેમ જાણે સૂરજના રથના સાત ઘોડા માહ્યલો એક હોય ને, એમ હાલ્યો આવે છે. કપાળ ઉપર માણેક-લટ ઝપાટા ખાઈ રહી છે.