આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'એ મારો દેવમુનિ આવે! મારો કલેજાનો કટકો આવે! મારો આતમરામ આવે!' એમ રાજાએ હરખના બોલ કાઢ્યા. ઘણા મહિનાના વિજોગી ઘોડાએ સામી હેતની હાવળ દીધી. રાજા સામો દોડ્યો. પણ હજુ રાજા પહોંચવા જાય છે ત્યાં તો ધડ દેતી મનસાગરાની તરવાર ઘોડાની ગરદન ઉપર પડી. ડોકું ધડથી નોખું જઈ પડ્યું. અને તરફડ! તરફડ! ઘોડો ટાંટિયા પછાડવા લાગ્યો.

પછી તો રાજાના કોપનો કાંઈ પાર રહે? રાજાનાં નાખોરાં ફૂલી ગયાં, હોઠ ધ્રૂજી ઊઠ્યા, કાયા કંપવા લાગી, રૂંવાડેરૂંવાડું બેઠું થઈ ગયું, ચહેરો તો ધમેલ ત્રાંબા જેવો લાલઘૂમ! મારું કે મરું! મારું કે મરું! મારું કે મરું!

રાજાએ તરવાર ખેંચી. હમણાં માર્યો કે મારશે!

પણ મનસાગરો? મનસાગરો તો માથું ઢાળીને હાથ જોડી ઊભો છે. કાંઈ બોલે કે કાંઈ ચાલે. એની આંખમાંથી તો અમી ઝરે છે.

ત્યાં તો સાત વીસ સામંતો દોડ્યા આવ્યા. રાજાજીના હાથ ઝાલી લીધા. તલવાર આંચકી લીધી. મહારાજ! ધીરા પડો. ક્ષમા કરો. સાહસ કર્યે કદાચને વાંસેથી વિમાસણ થાય.

સામૈયું તો હજી સાબદું થાય છે, રાજા ટાઢા પડીને સહુને હળેમળે છે, રાજકુટુંબના સુખસમાચાર સાંભળે છે. ત્યાં તો મનસાગરો સરકી ગયો. દરવાજે જઈ હુકમ દીધો કે "દરવાણી, દરવાજો પાડી નાખો.”

દરવાણી ચમકીને બોલ્યો કે "મહારાજ, આ શું? પરણીને આવતા રાજાનું અપશુકન થાય?”

“પાડી નાખો દરવાજો, નીકર માથું વાઢી લઉં છું.” એવી મનસાગરે ત્રાડ નાખી. દરવાણી બિચારો શું કરે? ચિઠ્ઠીનો ચાકર! પ્રધાનજીનો હુકમ! પચાસ મજૂરો વળગાડીને દરવાજો પાડી નખાવ્યો.

બોલાવો માળીને! માળી આવ્યા. “દરવાજે ફૂલની કમાન ગૂંથી કાઢો - વાર લાગે નહિ હો!”

પથ્થરની કમાનને ઠેકાણે ફૂલની કમાન ગૂંથાઈ ગઈ. ગાજતે વાજતે સામૈયું આવ્યું. રાજાજી જોઈ રહ્યા કે દરવાજાને કમાનની કાંકરી યે ન મળે!

કે' “આ કોણે કર્યું?”

કે' “મહારાજ, મનસાગરે પ્રધાને!”

હાય! હાય! હાય! હાય! આવું અપશુકન! ક્યારે સવાર પડે ને કાળો ઘોડો અને કાળો પોશાક આપીને મનસાગરાને દેશવટે મોકલી દઉં.

ત્યાં તો દરવાજામાંથી રાજાનો રથ નીકળ્યો. અને ઉપરથી ખ ર ર ર! ફૂલની કમાન પડી. રાજાના રથમાં તો ફૂલ! ફૂલ! રાજા-રાણી ફૂલમાં ઢંકાઈ ગયાં.