આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨.
સિંહાસન


ધારા નગરીને માથે પરદુ:ખભંજન રાજા ભોજનાં રાજ ચાલે છે. ભેરવોનાં માથાં ભાંગે એવો ચોગરદમ ફરતો ગઢ છે. ચાર દિશાએ ચાર દરવાજા : ચોરાશી બજાર : ચોપન ચૌટાં : લખપતિઓની હવેલીઓનાં ઈંડાં આભમાં અડે છે. ચારે પહોર ચોઘડિયાં વાગે છે. સાંજરે મશાલો થાય છે. અને ઉજેણીમાં તો કોઈ દુ:ખિયું ન જડે.

એક સમે રાજા ભોજે આજ્ઞા કરી કે "બધસાગરા, આપણે અલક મલક તો જોયો, પણ હવે મારે ઓતરાખંડ જોવો છે."

"ખમા ઉજેણીના ધણીને જેવી મહારાજની મરજી!" એટલું બોલીને બધસાગરે બે પાણીપંથા ઘોડાને માથે પીતળિયાં પલાણ માંડ્યાં. હથિયાર પડિયાર બાંધીને રાજા-પ્રધાન હાલી નીકળ્યા. હાલતાં હાલતાં ઉજેણીના સીમાડા વળોટવા જાય છે ત્યાં આઘેથી એક કઠિયારે સાદ દીધો કે "એ ભાઈ, મારે માથે ભારો ચડાવશો?"

"બધસાગરા! કોઈક દુખિયારો ડોસો : માથે ભારો ચડી શકતો નથી. હાલો એને મદદ કરીએ."

એમ બોલી રાજા પાસે ગયા. જુએ ત્યાં છાંટો ય લોહી ગોત્યું ન જડે એવો બ્રાહ્મણ : અસલ હાડપિંજર જોઈ લ્યો! મોઢે માખીઓ બણબણે છે. નાકે લીંટ જાય છે. ખભે વરતડીના કટકા જેવી જનોઈ ધબેડી છે. એવા બ્રાહ્મણને જોઈને રાજા બોલ્યા :

"અરે હે ગોર દેવતા! આવી દશા?"

"ખમા બાણું લાખ માળવાના ધણી! છું તો બ્રાહ્મણ, પણ આ તારી ઉજેણીમાં

નવાનગરને નમો! નમો!
શેરીએ શેરીએ ભમો ભમો!
કોઈ કે'નૈ કે જમો જમો!


- એવા હાલ છે. ઘરની ગોરાણી ગાળ્યું દ‌ઈને ભળકડે તાંબડી પકડાવી લોટે ધકેલતી. દીવા ટાણે પાછો વળતો. પણ ઘરે કળશી એક છોકરાં કિયાંવિયાં કરતાં મને પીંખી નાખતાં : બે રોટલાનોયે લોટ નહોતો થતો."