આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેડેથી ઊતરીને બામણ ખેતરમાં જાય છે. એક હાથમાં દાતરડું રાખીને બીજે હાથે એક ડૂંડું ઝાલી માથું હલાવે છે. મનમાં વિચાર કરે છે કે 'ઓહોહોહો! આ ડૂંડું તો સારા ખેતરનું સરદાર! આના ઉપર દાતરડું શે હાલે!'

બીજું ડૂંડું હાથમાં લીધું. માથું હલાવી મનમાં બોલ્યો: 'ઓહોહોહો! આ તો ઓલ્યા ડૂંડાનું જ ભાઈ! વાઢતાં જીવ શે હાલે!'

રાજા પાસે આવીને બામણે માથું ખંજવાળતાં ખંજવાળતાં કહ્યું : "મહારાજ! આણીકોર લોંઠિયાં લાણી ગ્યાં, ઢોર ખાઇ ગ્યાં, બગલાં ચણી ગ્યાં! તમને અલાય એવું એકેય એવું એકેય ડૂંડું હાથ આવતું નથી."

મોઢું મલકાવીને રાજા પ્રધાન ચાલતા થયા. વળી પાછો બામણ મેડે ચડ્યો. અને મેડે ચડતાં વાર જ એણે હાકલા માંડ્યા કે 'પાછા વળો મહારાજ! પાછા વળો, ચાર હત્યા છે તમને. પોંક લેતા જાઓ.'

વળી પાછા રાજા બામણની પાસે આવ્યા એટલે બામણ કહે: "મહારાજ ઊભા રો.' આથમણી દશ્યે ડૂંડાં ઊભા છે એમાંથી વાઢી દ‌ઉં."

એમ કહીને બામણે દાતરડું ઝાલ્યું. આથમણી બાજુએ ડૂંડાં વાઢવા ઊતર્યો. એક પછી એક ડૂંડું હલાવીને નિસાસો નાખ્યો કે,'ઓહોહો! આ તો સારા ખેતરનું સરદાર ડૂંડું! આ વળી એનું જ ભાઈ! શે વઢાય?'

આવીને વળી પાછો ગરીબડો થ‌ઈ બોલવા મંડ્યો: "મહારાજ! ઈ પડખેય લોંઠિયાં લણી ગ્યાં, ઢોર ચરી ગ્યાં, તમને અલાય એવું એકેય ડૂંડું જ ન મળે, બાપજી!"

મોં મલકાવીને રાજા ભોજ હાલી નીકળ્યા, ત્યાં તો મેડે ચડીને બામણ બૂમ પાડે છે કે "પાછા વળો, લેતા જાઓ, ચાર હત્યાનાં પાપ!"

રાજા પૂછે કે "અરે બધસાગરા! આ તે શી સમસ્યા! બામણ મેડે ચડે છે ત્યાં સમદરપેટો બની જાય છે અને હેઠે ઊતરે છે ત્યાં જીવ વાઘરીવાડે વહ્યો જાય છે : એ વાતનો કાંઈ મરમ જાણ્યો?"

"મહારાજ! એ તો જગ્યા-બદલો!" હસીને બધસાગરે જવાબ વાળ્યો.

" એટલે શું?"

હે રાજાજી, એ તો જગ્યા જગ્યાના પ્રભાવ સમજવા. જે ઠેકાણે બામણનો મેડો ઊભો છે, તે ઠેકાણે ધરતીમાં નક્કી માયા દાટેલી પડી હશે. અને કાં કોઈ મહાદાનેશ્વરી રાજાનું થાનક હશે, એટલે મેડે ચડતાં જ બામણનું મન મોટા રાજેશ્વર જેવું બની જાય છે, પણ નીચે ઊતરે છે ત્યાં પાછો બામણનો બામણ થાય છે."

"અને તમારું ભાખ્યું ખોટું પડે તો?"

"તો તમારી તરવાર ને મારું ડોકું."