આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે‘ "શાબાશ ! શાબાશ કાળિદાસ પંડિતને."

કપાળે કરચલીઓ પાડીને કાળિદાસ પંડિત આંગળીના વેઢા ઉપર અંગૂઠો મેલતા ગણતરી કરવા મંડ્યા. ગણતરી કરીને ડોકું ધુણાવ્યું.

"કેમ પંડિત ! ડોકું કાં ધુણાવ્યું ? કહી નાખો જે હોય તે."

"ખમા ! ખમા બાણું લાખ માળવાના ખાવંદને ! ખમા પરદુઃખભંજણાને. હે મહારાજા, જાનવર બહુ કથોરું બોલ્યાં છે. શું કહું ? કહેતાં જીભ કપાય !"

"ફિકર નહિ કાળિદાસ પંડિત ! જેવાં હોય તેવાં જ ભાખજો."

હે રાજા ! જાનવરની વાણી ભાખે છે કે આજથી સાડા-ત્રણ દીએ રાજા વિક્રમનો દેહીકા...ળ !"

"સાચું કહો છો ?"

"મારાં ભાખ્યાં ખોટાં પડે તો જનોઈને ઠેકાણે ડામ દઉં."

"ઓહોહોહો ! ભલે આવ્યાં. મરતુક ભલે આવ્યાં. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય, કે આવે ઊજળે મોઢે માતાજીના ધામમાં પહોંચી જવાશે. હવે અમારે જીવતરમાં કાંઈ અબળખા નથી રહી. અલક મલક ઉપર આણ વર્તાવી. બાવન વીર અને ચોસઠ જોગણી સાધ્યાં, હવે મોજથી મરશું."

"હાં, કોઈ છે કે ?"

કે‘ ’એક કહેતાં એકવીસ ! ખમા ! કરતા ચોપદારો માથાં ઝુકાવી ઊભા રહ્યા.

"જાવ, આજ અટારીને માથે ચડીને પડો વજડાવો, પરગણે પરગણે ઢોલ પિટાવો, કે રાજા વિક્રમનો દરબાર લૂંટાય છે. આવજો, લૂંટી જાજો, કોઠી-કોઠાર ભરી લેજો, આગળ જાતાં મળશે નહીં."

શેરીએ શેરીએ ડાંડી પિટાણી. ખજાનાનું સાત સાત કોટડી દ્વવ્ય રાજાએ ખુલ્લું મેલાવ્યું.

માણસો ! માણસો ! માણસો ! દરબારગઢની દોઢીએય માણસો તો દરિયાનાં પાણીની જેમ ઊમટ્યાં છે. થાળીનો ઘા કર્યો હોય તો ધરતી ઉપર ન પડે, માણસોનાં માથાં ઉપર થઈને હાલી જાય, એવી ઠઠ જામી છે. ઝરૂખે બેઠા બેઠા રાજાજી પોતાના ખજાનાની લૂંટાલૂંટ જુએ છે. વાહ ! વાહ ! વાહ ! વિક્રમના અંગરખાની કસો તૂટવા મંડી.

ત્રીજે દિવસે કચેરી મળી. સહુને આખરના રામરામ કરી લેવા રાજા વિક્રમ આવી પહોંચ્યા. ત્યાં તો ફરીવાર શિયાળિયાંએ ઉગમણી દિશામાંથી લાળી કરી : વિયાઉં ! વિયાઉં ! વિયાઉં !

"અરે હે કાળિદાસ પંડિત ! આજ વળી જાનવર શું બોલી રહ્યા છે ?"

ફરી ટીપણું ઉખેળીને ભવિષ્યના આંકડા માંડી કાળિદાસ પંડિત બોલી ઊઠ્યા : "ખમા ! ખમા ઉજેણીના ધણીને ! બાણું લાખ માળવો આજ રંડાપાથી ઊગરી ગયો. હે