આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવાર પડ્યું, સ્નાન કરીને અરધે માથે બતી ઝુકાવી : ઊતરિયું દુગદુગા : કાનમાં કટોડા : પગમાં હેમના તોડા : દોઢ હથ્થી માનાસાઈ તંગલ ખંભાનાં વારણાં લઈ રહી છે : સાવજના નહોર જેવો ગુસબી જમૈયો ભેટની માલીપા ધરબ્યો છે : વાંસે રોટલા જેવડી ઢાલ : સાતસો - સાતસો તીરનો ભાથો : નવરંગી કમાન ગળાં વળુંભતી આવે છે : એક હાથમાં મીણનો પાયેલ બે સેડ્યવાળો ચાબૂક રહી ગયો છે : બીજા હાથમાં ભાલો આભને ઉપાડતો આવે છે.

એવા ઠાઠમાઠ કર્યા. રજપૂતાણીએ કંકાવટીમાં કંકુ ઘોળીને કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. પતિના પગની રજ લીધી, ત્યાં તો ચોળાફળીની શીંગો જેવી દસેય આંગળીઓમાંથી પરસેવાનાં ટીપાં ટપક્યાં, આંખડીમાં મોતી જેવાં બે આંસુડાં જડાઈ ગયાં.

"લ્યો રજપૂતાણી ! જીવ્યા મુઆના જુવાર છે."

[3]

એવી છેલ્લી વારની રામરામી કરીને હંસલા ઘોડાને માથે પલાણી રજપૂત મોતને મુકામે હાલી નીકળ્યો. સરોવરની પાળે ઘોડાને ધમારી, જે ઘડીએ ધૂપ દીધો તે ઘડીએ ખરરર ! કરતી ઘોડાના પેટાળને બેય પડખેથી સોનાવરણી પાંખો ફૂટી નીકળી.

"જે જુગદમ્બા !" કહેતોક રજપૂત કૂદીને હંસલાની પીઠ માથે ગયો. દેવતાઈ વિમાનની જેમ ગાજતો ઘોડો આસમાનમાં ઊડવા મંડ્યો. ઘોડાના પગની ઝાંઝરી અને એની ઝૂલ્યને છેડે ટાંકેલી ઘૂઘરીઓ ગગનમાં રણણ ઝણણ ! રણણ ઝણણ ! થાતી જાય છે. નીચે નાની મોટી કૈં કૈં નગરીઓ હાલી જાય છે. ઘોડો હણેણાટી દઈ દઈને આસમાનના ઘુમ્મટમાં પડછંદા પાડતો આવે છે.

બપોરની વેળા થઈ ત્યાં નીચે એક કાળઝાળ કિલ્લો દેખાણો. કિલ્લામાં સાતસાત ભોંની મેડીઓ ભાળી. એ ધુકાર શહેર ઉજેણી તો ન હોય ! એમ વિચારીને વીરાજીએ ઘોડાને ઉતાર્યો. પાંખો સંકેલતો સંકેલતો ઘોડો ઊતરવા મંડ્યો. બરાબર તળાવની પાળે આવીને ઘોડો ઊભો રહ્યો.

નગરીની સાહેલીઓ પાણી ભરવા આવી છે. અસવારને ભાળતાં જ જાણે કે પનિયારીઓ ચિત્રામણમાં લખાઈ ગઈ.

"ઓહોહોહો ! બાઇયું ! ઘોડો જુઓ ! ઘોડાનો ચડનારો જુઓ ! એનાં રૂપ જુઓ ! એનો મરોડ જુઓ ! એના મોઢા ઉપર કેવી કાંતિ નીતરી રહી છે ! અહોહો ! એના ઘરની અસ્ત્રી કેવી ગુણિયલ હશે !" એવી વાતો કરતી કરતી હોઠે આંગળી માંડીને પનિયારીઓ જોઈ રહી. ત્યાં તો ઘોડેસવાર બોલ્યો કે "બાઇયું ! બેનડિયું ! આ ઉજેણી નગરીને ?"

"હા...હા...હા...હા...હા..." એમ સામસામી તાળીઓ દઈ પનિયારીઓ ખડખડાટ