આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાસડાંના માર : પાડોશણના ઘેરેઘેરા : કાળો કળેળાટ બોલે છે. કાગડીઓ જાણે મેનાને પીંખે છે.

"નણદીબા!નણદીબા! મારો કાંઈ વાંક? કાંઈ ગુનો?"

મેલ્યા દાદા ને મેલી માવડી
મેલ્યા સૈરું કેરા સાથ જો.
નણદી, તમારા વીરાને કારણે,
મેલ્યાં ભાઈ ને ભોજાઈ જો.
મેલી પીયર કેરી પાલખી,
માન્યાં સરગ સાસરવાસ જો.
સાસુને માન્યા સગી માવડી,
તમને માન્યા મોટી બેન જો.
આજ રે અમી તમારાં ઓસર્યાં,
એવા કિયા ભવનાં પાપ જો.
ઓલ્યે જન્મારે માને ધાવતાં,
મેં શું કરડ્યાં એનાં થાન જો !


પણ એના વિલાપ કોણ સાંભળે?

નણંદે ભોકાઈના ચીર ચીરી નાખ્યાં, ગુણપાટનું ઓઢણું ઓઢાડ્યું, ચોટલો ઝાલીને બારણે કાઢી, કહ્યું: "જા રાંડ કુલટા! જંગલમાં જઈને ઝુમ્મર બાળજે, વેણી ઓળજે ને કાજળ આંજજે!"

ફૂલવંતી સમજી ગઈ. હાય! સ્વામીનાથ માને અને બેનને મળવું ભૂલ્યા. કોની સાક્ષી આપું? શી રીતે પારખું કરાવું?

બોલી નહિ. ચાલી નહિ. નણંદના ધક્કા ખાતી ખાતી, ધૂળમાં રોળાતી રોળાતી, રોતી રોતી, રણવગડાને રસ્તે ચાલી.

[૪]

પદમના ફૂલ જેવી પાનીઓ રસ્તે ચિરાય છે. ચંપાની કળી જેવી આંગળીઓમાં કાંટા પરોવાય છે. વાસુકિ નાગ જેવો ચોટલો ઝાળાં-ઝાંખરામાં અટવાય છે. રેશમ શી સુંવાળી કાયા ઝરડ! ઝરડ! ઉઝરડાય છે. આંસુડે ડૂબેલી આંખોને રસ્તો સૂઝતો નથી. તોયે ફૂલવંતી ચાલી જાય છે. ચાલી જ જાય છે.

આંસુડે માટી ભિંજાઈને ગારો થઈ ગઈ. માથાં પછાડી પછાડીને શિલાઓ તોડી નાખી. સાત સાત મહિના એમ વીત્યા ત્યારે ઝાડવાંમાંથી પંખીડાં બોલ્યાં કે 'સોદાગરની અસ્ત્રી! આ શું કરી રહી છો! વિચાર વિચાર, તારા ઉદરમાં તો રાજતેજના ઓધાન રહ્યાં છે.'

'હા! સાચું! સાચું!