આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હાં, કોઈ છે કે?"

"એક કહેતાં એકવીસ, મહારાજ!"

"આપણે પાદર આ ડંકા કોના? એવો બે માથાળો છે કોણ? બાંધીને હાજર કરો!"

કટક લઈને કોટવાલ છૂટ્યો, આવીને એણે બારેય વહાણને કડી દીધી. ફૂલસોદાગરને બાવડે બાંધી, પગે બેડી નાખી, કચેરીમાં ખડો કર્યો.

'અહાહા! રાજાની ડોકે શંખલાની માળા! મારી ફૂલવંતીએ દીધેલી જ એ માળા!' સોદાગરની આંખમાં અમી ઊભરાણાં. જાણે પેટનો દીકરો પારખ્યો.

"એ ભાઈ, રાજાનું નામ?"

"રાજતેજ."

"બસ, એ જ મારો દીકરો! મારું પેટ! મારાં બાર વહાણનો વારસદાર!"

"વોય રે મારો બેટો!" કોટવાળે બંદૂકના કંદા માર્યાં. "રાજાનો બાપ બનવા આવ્યો છે! પૂરી દ્યો ધૂતારાને તુરંગમાં."

ધક્કે ચડાવીને સોદાગરને કેદખાને ઉપાડી ગયા.

પણ રાજકુંવરની આંખમાં આજે આંસુડાં કેમ આવ્યાં? આજ કચારીમાંથી એનું અંતર કેમ ઊઠી ગયું?

"કોટવાળ! આજ કચેરી બરખાસ્ત કરો!"

[૧૦]

પણે દરિયામાં પડેલી ફૂલવંતીનું શું થયું?

બાર બાર વરસ સુધી બિચારીને પાતાળમાં નીંદર આવી ગઈ. નાગપદમણીની દીકરીઓ એને વિંટળાઈને વીંજણા ઢોળતી, અગર-ચંદનના લેપ કરતી, અને અમીની અંજળી છાંટતી બેસી રહી. એકેક વરસ વીતે અને ઊંઘમાંથી ઝબકીને 'સોદાગાર! સોદાગર!' ' રાજતેજ! રાજતેજ!' એવા સાદપાડે, વળી પાછી પોઢી જાય.

નાગપદમણીએ સતીને પંપાળીને આંસુ લૂછ્યાં : 'દીકરી! તારા સ્વામીનાથ મળશે ને બેટો ય મળશે!"

"ક્યારે?"

"પહેલાં નહા, ધો, ખા, પી પછી કહું."

નવરાવી-ધોવરાવી, ખવરાવી-પીવરાવી, પરવાળાંની સાડી અએ પારસમણિનો હાર પહેરાવીને ફૂલવંતીને નાગપદમણી દરિયાકાંઠે તેડી ગઈ.

"દીકરી, ચારેય દિશાના વાયરા તપાસી જો તો! શીતળ લહેર ક્યાંથી આવે છે? ને ગરમ લૂ ક્યાંથી આવે છે?"

છાતી ઉપરથી પાલવ ખસેડીને સતી ઊગમણી ઊભી, આથમણી ઊભી, દખણાદી ઊભી, પણ જ્યાં છાતી ઉઘાડીને ઓતરાદી ઊભી ત્યાં તો -

અહાહા! સતીનાં થાનેલાં ફાટ ફાટ થાય છે, ધાવણની ધારો ટપકે છે. અમૃતની જાણે સરવાણીઓ ફૂટી.