જ ક્ષણે જ્યારે મનસાગરા પ્રધાનને તલવાર ઉઘાડી છલાંગ મારતો અને યુક્તિ-પ્રયુક્તિ યા હાજરજવાબીથી પોતાના મિત્રને સાપના ઝેરમાંથી ઉગારતો નિહાળે છે, ત્યારે તુરત જ એ બાળક સુખનો શ્વાસ મેલે છે, ને પોતે મનસાગરો બનવા તલસે છે. મનસાગરો પથ્થર બની જાય છે, તે ઘટનાની કરુણાજનક ભીષણતા, મનસાગરાના મૂંગા બલિદાનની મહતા આગળ ઝાંખી પડી જાય છે. વિક્રમરાજાના પેટમાં નાગ પેસી જાય તે દુઃખમય વિચાર, એ આશરા-ઘર્મનો બિરદધારી રાજા સાપને ન મારવા માટે કસુંબો ત્યજે એ આત્મભોગના આદર્શ સામે ટકતો પણ નથી. માતા કાળકાની બધી ભૈરવતા એની દયાર્દ્ર વત્સલતાની સામે, ખાસ કરીને તો છેલ્લી વેળાએ ત્રણેય મરેલાઓને ચૂંદડી ઓઢાડી સજીવન કરનાર કરુણામય દેવી-સ્વરૂપની સામે વિસરાઇ જાય છે. ફૂલવંતી સતીના ચોધાર વિલાપમાં પોતાનો સૂર મેળવનારાં બાળકો, એ સતીને, પોતાના સ્વામીના પગ આંસુડે ઘોતી અને ચોટલે લૂછતી ભાળીને ધન્યવાદ ઉચ્ચારે છે; ખૂંધાળી નણંદની ક્રૂરતા પર કે કઠિયારણના ઘાતકીપણા ઉપર સતીના શિયળનું જ્યોતિમંડળ છવાયલું જુએ છે. કસોટીના મેઘાડમ્બર ઉપર વીર-વીરાંગનાઓનાં બલિદાનનું ઈંદ્ર-ધનુષ અંકાયલું નિહાળી બાળ-શ્રોતાઓ આ કલ્પનાસૃષ્ટિની ભયાનકતામાં પણ માનવઆત્માનો વિજય સમજે છે. આ ઘટનાઓમાંથી બાળકો બીકણ બનીને નહિ પણ બહાદુરીના પૂજક બનીને નીકળે છે. અને સીણાની ખાણ પાર કરનાર વીરાજી કે મોટાં જંગલો ખૂંદનાર મનસાગરો, જાણે પોતપોતાની વાતો વર્ણવી વર્ણવીને આપણાં સંતાનોને કહેતાં જાય કે 'નન બટ ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર' : સુંદરીઓના હાથ તો શૂરવીરોને જ સાંપડી શકે; સાહસને કંઠે જ સૌંદર્યની વરમાળા શોભે.
લોકસાહિત્યની આ એક નવી દિશા આજે ખુલ્લી થાય છે. શૂરાઓની ઇતિહાસ-ઘટનાઓને લોકોએ પોતાની વાણીમાં વહેતી કરી, તે આપણે 'રસધાર' આદિ ગ્રંથોમાં જોયું. રામાયણ-મહાભારતની પુરાણ-કથાઓને પણ લોકોએ પોતાની શૈલીમાં સ્વાંગ પહેરાવી એક કંઠેથી બીજે કંઠે, એક જીભને ટેરવે થઇ બીજી જીભને ટેરવે રમતી મૂકી. વ્રતોની, ઉખાણાંની, રમૂજની, ઠાવકાઇની, પશુની, પખીની કૈં કૈં કથાઓમાં લોક-આત્માએ અનુભવરૂપી દૂધ દોહી લીધાં. તારા-મંડળો, પક્ષીના સાંકેતીક સ્વરો, પશુઓની કે વૃક્ષોની કૈં કૈં વિચિત્રતાઓ, એ તમામની સાથે કોઇ બલિદાનની, સત્યની કે સીધી સાદી માનવ-ઊર્મિની ઘટનાઓ લોકોએ જોડી દીધી તેને 'કંકાવટી'માં સંઘરેલ છે. ને બીજો એક આખો ઝરો, લોકહૃદયમાંથી 'લોકગીતો'ને નામે રેલાયો તે 'રઢિયાળી રાત' અને 'ચૂંદડી'નાં છ પુસ્તકોમાં ઠાલવેલ છે. આજ આ નવો પ્રવાહ નીસરે છે. આપણાં અભણ ભાંડુઓને અંતરે સુંદર કલાવિદ્યાનમાં સજ્જ થઇને આ વાર્તાઓ મોટાં મોટાં લોકવૃંદોની વચ્ચે એની સંગીતવાણીમાં લલકારાઇ છે. કેટલાં કેટલાં અટ્ટહાસ, નિઃશ્વાસ, ધન્યવાદ અને અશ્રુ-