આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નણદીએ મેલ્યાં વનરાવનમાં
જોગન બાળે બેઠી વેશ જો,
નવમે તે માસે કુંવર જનમિયા ને
માતા સૂતી મૂર્છામાંય જો.
ચોર્યા પૂતર ને પેઠી મો'લમાં
ડાકણ કઠિયારણનાં કામ જો.
રાણીને નાખી ઊંડા નીરમાં
પંડે લીધાં રાણી-વેશ જો.
જંગલમાં જાગી જોવે માવડી.
એનો કુંવરિયો ખોવાય જો,
સમદર બૂરન્તાં સતીને ઝીલિયાં
રાખ્યાં નાગ-ભુવન મોજાર જો.
પહોંચ્યા પૂતર કેરાં દેશમાં
રાંડે ભંડાર્યાં ભોં માંય જો,
સોદાગર હાર્યો માળા શંખની
બૂડી સમદરને પાતાળ જો.
હંસે એંધાણી સતીની ઓળખી
આવી મેલી તરુવર ડાળ્ય જો,
માળા દેકીને મનડાં મોહિયાં.
કુંવર પે'રી પામ્યા સુખ જો.
સોદાગર આવે સતીને ગોતવા
માળા દીઠી કુંવર-કંઠ જો,
બેટો ભાળીને હૈયાં ઊમટ્યાં
કો'ને સમસ્યા નો સમજાય જો.
પિતાને પૂર્યા તમે કેદમાં
જઈને પૂછો શાણા રાય જો,
સત રે ધરમ તમારી માતનાં
એની પંખી પૂરે શાખ જો."

એટલું ગાઈને હંસલો ઊડી ગયો.

દેવવાણી! દેવવાણી! દેવવાણી! એમ નગર ગાજી ઊઠ્યું. કારાગૃહમાં જઈને રાજતેજ બાપને પગે પડ્યો. દેવડીએ નોબતો ગગડી.

[૧૧]

દીકરો સાંપડ્યો તો યે સોદાગરને જંપ નથી. અરેરે, મારી દુખિયારી ફૂલવંતી ક્યાં હશે? એના વગર જનમારો કેમ જાશે?