આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીકળ્યો હતો. ડરબન પહોંચતાં જ અને બધી હકીકત સાંભળતાં જ હું દિગ્મૂઢ બની ગયો. અમે ઘણાએ ધારેલું કે લડાઈ પછી હિંદીઓની સ્થિતિ આખા દક્ષિણ આફ્રિકામાં સુધરવી જોઈએ. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં તો મુશ્કેલી ન જ હોઈ શકે, કેમ કે હિંદીઓની કફોડી સ્થિતિ એ લડાઈનું એક કારણ છે એમ લૉર્ડ લેન્સડાઉન, લોર્ડ સેલબોર્ન વગેરે મોટા સત્તાધિકારીઓએ કહેલું, પ્રિટોરિયાના બ્રિટિશ એલચી પણ મારી સમક્ષ ઘણી વાર બોલી ચૂકેલા કે જે ટ્રાન્સવાલ બ્રિટિશ કૉલોની થાય તો હિંદીઓનાં દુઃખ બધાં નાબૂદ થાય. ગોરાઓએ પણ એમ જ માનેલું કે રાજ્યસત્તા બદલાતાં ટ્રાન્સવાલના જૂના કાયદા હિંદીઓને લાગુ ન જ પડી શકે. આ વાત એટલે સુધી સર્વમાન્ય થઈ ગઈ હતી કે જે લિલામ કરનારા જમીનના વેચાણ વખતે લડાઈ પહેલાં હિંદીઓનો ચડાવો કબૂલ ન જ કરતા, તેઓ ખુલ્લી રીતે કબૂલ કરતા થઈ ગયા હતા. ઘણા હિંદીઓએ આ પ્રમાણે લિલામમાં જમીનો ખરીદ પણ કરેલી. પણ મહેસૂલી કચેરીમાં જમીનના દસ્તાવેજ રજિસ્ટર કરાવવા જતાં ૧૮૮૫નો કાયદો મહેસૂલી અમલદારે ખડો કર્યો અને દસ્તાવેજ રજિસ્ટર કરી આપવાની ના પાડી ! ડરબન ઊતરતાં મેં આટલું તો સાંભળ્યું, આગેવાનોએ મને કહ્યું કે તમારે ટ્રાન્સવાલ જવાનું છે. પ્રથમ તો મિ. ચેમ્બરલેન અહીં આવશે. અહીંની સ્થિતિથી પણ તેમને વાકેફ કરવાની જરૂર છે. અહીંનું કામ ઉકેલી તેમની જ પાછળ પાછળ તમારે ટ્રાન્સવાલ જવું પડશે.

નાતાલમાં મિ. ચેમ્બરલેનને એક ડેપ્યુટેશન મળ્યું. તેમણે બધી હકીકત વિનયપૂર્વક સાંભળી. નાતાલના પ્રધાનમંડળની સાથે વાત કરવાનું તેમણે વચન આપ્યું નાતાલમાં લડાઈ પહેલાં થઈ ગયેલા કાયદામાં તુરત ફેરફાર થવાની મેં પોતે કંઈ આશા રાખી ન હતી. એ કાયદાઓનું વર્ણન તો આગલાં પ્રકરણોમાં આવી ગયું છે.

લડાઈ પહેલાં તો ટ્રાન્સવાલમાં ગમે તે હિંદી ગમે તે વખતે જઈ શકતો હતો, એ વાંચનાર જાણે જ છે. પણ હવે મેં જોયું કે તેમ ન હતું છતાં જે અટકાવ તે વખતે હતો એ ગોરાને તેમ જ હિંદીઓને બધાને લાગુ પડતો હતો. ઘણા માણસો ટ્રાન્સવાલમાં