આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન હતી તેથી બરતરફ થયેલા પક્ષપાતનો તો કંઈ પાર જ નહીં. અને જ્યાં આવી રીતે એક ખાતું નોખું પડે ત્યાં અને જો તે ખાતું હકોની ઉપર અંકુશ મેલવાને સારુ જ યોજવામાં આવ્યું હોય તો પોતાની હસ્તી કાયમ રાખવાને સારુ તેમ જ અંકુશો મૂકવાનો પોતાનો ધર્મ બરાબર બજાવે છે એ બતાવવાની ખાતર હંમેશાં નવા અંકુશ શોધવા તરફ જ તેનું વલણ રહે. બન્યું પણ તેમ જ.

મેં તો જોયું કે મારે નવી પાટી ઉપર નવેસરથી જ એકડો ઘૂંટવો રહ્યો. એશિયાટિક ખાતાને તરત ખબર નહીં પડી કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. મને પૂછવાની તો એકાએક હિંમત ચાલી નહીં, ચોરીથી તો હું દાખલ ન જ થાઉં એટલું માને એમ હું માનું છું. આડકતરી રીતે તેઓએ જાણી પણ લીધું કે હું પરવાનો કેમ મેળવી શકયો. પ્રિટોરિયાનું ડેપ્યુટેશન પણ મિ. ચેમ્બરલેન પાસે જવા તૈયાર થયું. તેમને આપવાની અરજી તો ઘડી. પણ એશિયાટિક ખાતાએ મારું તેમની આગળ જવું બંધ કરાવ્યું, હિંદી આગેવાનોને લાગ્યું કે એવી સ્થિતિમાં તેઓએ પણ ન જ જવું જોઈએ. મને એ વિચાર ન ગમ્યો. મારું થયેલું અપમાન મારે ગળી જવું અને કોમે પણ તે ન ગણકારવું એમ મેં સલાહ આપી. અરજી તો છે જ, એ મિ. ચેમ્બરલેનને સંભળાવવી એ જરૂરનું છે એમ મેં ઉમેર્યું, ત્યાં હિંદી બેરિસ્ટર જ્યૉર્જ ગૉડફ્રે હાજર હતા. તેમને અરજી વાંચવા તૈયાર કર્યા, ડેપ્યુટેશન ગયું, મારે વિશે વાત ઊખળી. મિ. ચેમ્બરલેને કહ્યું, "મિ. ગાંધીને તો હું ડરબનમાં મળી ચૂકયો છું. એટલે અહીંનો હેવાલ હું અહીંના લોકોને મોઢેથી જ સાંભળું એ વધારે સારું એમ સમજી મેં તેને મળવાની ના પાડી." મારી દષ્ટિએ આ તો બળતામાં ઘી હોમવા જેવું થયું. એશિયાટિક ખાતાએ ભણાવેલું મિ. ચેમ્બરલેન બોલ્યા. જે વાયુ હિંદુસ્તાનમાં વહે છે તે જ એશિયાટિક ખાતાએ ટ્રાન્સવાલમાં વહાવ્યો. મુંબઈમાં રહેનારને ચંપારણમાં અંગ્રેજી અમલદારો પરદેશી ગણે છે એ વાતથી ગુજરાતીઓ વાકેફ હોવા જ જોઈએ. એ કાયદા પ્રમાણે ડરબનમાં રહેનારો હું ટ્રાન્સવાલની હકીકત શું જાણી શકું, એમ મિ. ચેમ્બરલેનને એશિયાટિક ખાતાએ શીખવ્યું. તેને શી ખબર