આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે હું ટ્રાન્સવાલમાં રહેલો અને ટ્રાન્સવાલમાં ન રહ્યો હોઉં તોપણ ટ્રાન્સવાલની બધી પરિસ્થિતિથી વાકેફ હતો. સવાલ કેવળ એક જ હતો. ટ્રાન્સવાલની હકીકતથી વધારેમાં વધારે વાકેફ કોણ હતું ? મને ખાસ હિંદુસ્તાનથી બોલાવીને હિંદી કોમે તેનો જવાબ આપી દીધો હતો. પણ રાજ્યકર્તાની પાસે ન્યાયશાસ્ત્રની દલીલો ચાલી શકતી નથી, એ કંઈ નવો અનુભવ નથી. મિ. ચેમ્બરલેન એ વખતે સ્થાનિક બ્રિટિશ કારભારીઓની અસર નીચે એટલા બધા હતા અને ગોરાઓને સંતોષવા સારુ એટલા બધા આતુર હતા કે એમના તરફથી ઈન્સાફ થવાની આશા કંઈ જ નહોતી અથવા ધણી થોડી હતી. પણ દાદ મેળવવાને સારુ એકે યોગ્ય પગલું ભૂલથી કે સ્વાભિમાનથી લેવાયા વિના ન રહે તેથી ડેપ્યુટેશન એમની પાસે ગયેલું.

પણ મારી સામે ૧૮૯૪ના કરતાં પણ વધારે વિષમ પ્રસંગ આવી રહ્યો. એક દૃષ્ટિએ વિચારતાં મિ. ચેમ્બરલેનની પૂંઠ ફરે એટલે પાછો હિંદુસ્તાન ફરી શકું એમ મને ભાસ્યું. બીજી તરફથી ચોખ્ખી રીતે જોઈ શકયો કે કોમને ભયંકર સ્થિતિમાં જોતાં છતાં હું હિંદુસ્તાનમાં સેવા કરવાના ગુમાનથી પાછો વળી જાઉં તો જે સેવાધર્મની, મને ઝાંખી થઈ હતી એ દૂષિત થાય. મેં વિચાર્યું કે આખો જનમારો દક્ષિણ આફ્રિકામાં નીકળી જાય તોપણ ચડેલું વાદળ વીખરાઈ ન જાય અથવા તો બધા પ્રયત્નો છતાં તે વધારે ઘેરાઈ કોમ ઉપર તૂટી પડી અમારો બધાનો નાશ ન કરે ત્યાં સુધી ટ્રાન્સવાલમાં જ રહેવું જોઈએ. અાગેવાનોની સાથે મેં એવા પ્રકારની વાત કરી. અને જેમ ૧૮૯૪માં તેમ આ વખતે પણ મારો ગુજારો વકીલાતથી કરવાનો મારો નિશ્ચય મેં જણાવ્યો. કોમને તો એટલું જ જોઈતું હતું.

મેં તુરત ટ્રાન્સવાલમાં વકીલાતની અરજી દાખલ કરી. અહીં પણ મારી અરજી સામે વકીલમંડળની સંસ્થા વિરોધ કરે એવો કંઈક ભય હતો, પણ એ પાયા વિનાનો નીવડયો. મને સનદ મળી અને મેં જોહાનિસબર્ગમાં ઓફિસ ખોલી. ટ્રાન્સવાલમાં હિંદીઓની મોટામાં મોટી વસ્તી જોહાનિસબર્ગમાં જ હતી. તેથી મારી આજીવિકા અને જાહેર કામ બંને દષ્ટિએ જોહાનિસબર્ગ જ અનુકૂળ મથક હતું.