આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાની પસંદગી અમલદારોને સોંપવામાં આવી હોત, અથવા તો એ કાયદાની અંદર એવા અંકુશ મૂકવામાં આવ્યા હોત કે જેમનો અર્થ સાર્વજનિક હોત, પણ તે અર્થ કરતાં તેમનું વધારે જોર હિંદીઓની ઉપર પડે એવું હોત, તો તેવા કાયદાથી પણ કાયદા કરનારનો અર્થ સરત, અને છતાં એ સાર્વજનિક કહેવાત. કોઈનું અપમાન તેથી ન થાત. અને કાળે કરીને જ્યારે વિરોધી ભાવ મોળો પડત ત્યારે, કાયદામાં કંઈ પણ ફેરફાર કર્યા વિના, તેના ઉદાર અમલથી, જેના વિરોધને અર્થે તે કાયદો પસાર થયો હોત તે કોમ બચી જાત. જેમ બીજી પ્રતિના કાયદાને મેં સાર્વજનિક કાયદા કહ્યા તેમ પહેલી પ્રતિના એકદેશી અથવા કોમી કાયદા કહી શકાય. દક્ષિણ આફ્રિકામાં તેમને રંગભેદી કાયદા કહેવામાં આવે છે, કારણ કે તેમાં ચામડીનો ભેદ રાખી કાળી અથવા તો ઘઉંવણીઁ ચામડીની પ્રજાઓ ઉપર ગોરાઓને મુકાબલે વધારે અંકુશ મૂકવામાં આવે છે. એનું નામ 'કલર-બાર' અથવા રંગભેદ કે રંગદ્વેષ.

બની ગયેલા કાયદામાંથી જ એક દષ્ટાંત લઈએ. વાંચનારને યાદ હશે કે મતાધિકારનો પહેલો કાયદો જે નાતાલમાં થયો પણ જે છેવટે રદ થયો તેમાં કલમ એવી હતી કે એશિયાટિકમાત્રને માતનો અધિકાર ભવિષ્યમાં ન હોઈ શકે. હવે આવો કાયદો બદલાવવો હોય તો પ્રજામત એટલે બધે સુધી કેળવાયેલો હોવો જોઈએ કે ઘણાઓ એશિયાટિકનો દ્વેષ ન કરતાં તેની તરફ મિત્રભાવ રાખે. આવો સુઅવસર આવે ત્યારે જ નવો કાયદો કરીને એ રંગનો ડાઘ ભૂસી શકાય. આ એકદેશી અથવા રંગભેદી કાયદાનું દૃષ્ટાંત. હવે ઉપરનો કાયદો રદ થઈને જે બીજો કાયદો થયો તેમાં પણ મૂળ હેતુ લગભગ સચવાયો, છતાં તેમાંથી રંગભેદનો ડંખ દૂર કરવામાં આવ્યો અને તે સાર્વજનિક થયો. એ કાયદાની કલમની ભાવાર્થ અા પ્રમાણે છે : 'જે પ્રજાને પાર્લમેન્ટરી ફ્રેંચાઈઝ, એટલે બ્રિટિશ આમની સભાના સભાસદ ચૂંટવાનો મતાધિકાર છે તેવી જાતનો મતાધિકાર ન હોય, તે પ્રજાના માણસો નાતાલમાં મતાધિકારી ન થઈ શકે.' આમાં કયાંયે હિંદીનું કે એશિયાટિકનું નામ નથી આવતું. હિંદુસ્તાનમાં ઈંગ્લેન્ડના જેવો મતાધિકાર છે કે નહીં એ વિશે કાયદાશાસ્ત્રીઓ