આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેથી એકને બદલે બીજો દાખલ ન થવા પામે, અને જે થાય તો તુરત પકડાઈ જાય. અંગ્રેજી સત્તા સ્થાપ્યા પછી જે પરવાના કાઢવામાં આવતા હતા તે પરવાનામાં હિંદીની સહી અને સહી ન કરી શકે તો અંગૂઠાની નિશાની લેવામાં આવી. વળી કોઈ અમલદારે સૂચવ્યું કે તેઓની છબી લેવી એ ઠીક છે. એટલે છબીઓ, અંગૂઠા અને સહી એ બધું એમ ને એમ ચાલુ થયું. એને સારુ કંઈ કાયદાની જરૂર તો હોય નહીં. એટલે આગેવાનોને તુરત ખબર પણ પડી ન શકે. ધીમે ધીમે આ નવાઈઓની ખબર પડી. કોમની વતી સત્તાધિકારીઓને લખાણ ગયાં. ડેપ્યુટેશન પણ ગયાં. સત્તાધિકારીઓની દલીલ એ હતી કે ગમે તે માણસ ગમે તે રીતે દાખલ થાય એ અમને ન પોસાય. એટલે બધા હિંદીઓની પાસે એક જ જાતના રહેવાના પરવાના હોવા જોઈએ અને તેમાં એટલી વિગત હોવી જોઈએ કે તેથી એ જ પરવાનાને આધારે તેનો માલિક જ આવી શકે પણ બીજે કોઈ ન આવી શકે. મેં એવી સલાહ આપી કે જોકે કાયદો તો એવો નથી કે જેની રૂએ આપણે એવા પરવાના રાખવાને પણ બંધાયેલા હોવા જોઈએ, છતાં જયાં સુધી સુલેહ જાળવવાનો કાયદો મોજૂદ છે ત્યાં સુધી એ લોકો પરવાના તો માગી જ શકે છે. જેમ હિંદુસ્તાનમાં 'ડિફેન્સ અૉફ ઈન્ડિયા એકટ' – હિંદુસ્તાનના રક્ષણનો કાયદો – હતો તેમ દક્ષિણ આફ્રિકામાં સુલેહ જાળવવાનો કાયદો હતો. જેમ હિંદુસ્તાનમાં હિંદુસ્તાનના રક્ષણનો કાયદો લાંબી મુદત સુધી કેવળ પ્રજાપજવણીને ખાતર જ રાખવામાં આવ્યો હતો તેમ આ સુલેહ જાળવવાનો કાયદો કેવળ હિંદીઓની પજવણીને ખાતર રાખી મૂકવામાં આવ્યો હતો. ગોરાઓની ઉપર સામાન્ય રીતે તેનો અમલ બિલકુલ નહોતો થતો એમ કહીએ તો ચાલે. હવે જે પરવાના લેવા જ જોઈએ તો એ પરવાનામાં ઓળખની તો કંઈક નિશાની હોવી જ જોઈએ. તેથી જેઓ સહી ન આપી શકે તેઓએ તો અંગૂઠાની નિશાની આપવી એ બરાબર છે. પોલીસવાળાઓએ એવું શોધી કાઢયું છે કે કોઈ પણ બે માણસનાં અાંગળાંની રેખા એકસરખી હોતી જ નથી. તેનાં સ્વરૂપ અને સંખ્યાનું તેઓએ વગીકરણ કર્યું છે. અને એ શાસ્ત્રનો જાણનાર માણસ બે