આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧. વિવેકનો બદલો – ખૂની કાયદો

પરવાનાઓની રદબદલ થઈ ત્યાં સુધીમાં ૧૯૦૬ની સાલને આપણે પહોંચી ગયા હતા. ૧૯૦૩ની સાલમાં હું ટ્રાન્સવાલમાં ફરી દાખલ થયો હતો. તે વરસના લગભગ મધ્યમાં મેં જોહાનિસબર્ગમાં ઓફિસ ખોલી, એટલે બે વરસ એશિયાટિક અૉફિસના હુમલાઓની સામે હાથ દેવામાં જ ગયાં. અમે બધાએ માની લીધું કે પરવાનાઓનું ઠેકાણે પડતાં સરકારને પૂરો સંતોષ મળશે ને કોમને કંઈક શાંતિ મળશે, પણ કોમને નસીબે શાંતિ હતી જ નહીં. મિ. લાયનલ કર્ટિસની ઓળખાણ હું પાછલા પ્રકરણમાં કરાવી ગયો. તેમને લાગ્યું કે હિંદી કોમે નવા પરવાના કઢાવ્યા એટલેથી ગોરાઓનો હેતુ સિદ્ધ થતો નથી. તેમની દૃષ્ટિએ, મહાન કાર્યો અરસપરસની સમજૂતીથી થાય એ બસ નહોતું; એવાં કાર્યોની પાછળ કાયદાનું બળ જોઈએ. ત્યારે જ એ શોભી શકે, અને તેના મુદ્દાઓ જળવાઈ શકે. મિ. કર્ટિસનો ઈરાદો એવો હતો કે હિંદીઓ ઉપર અંકુશ મૂકવાને સારુ કંઈક એવું કાર્ય થવું જોઈએ કે જેની અસર આખા દક્ષિણ આફ્રિકા ઉપર પડે અને છેવટે બીજાં સંસ્થાન તેનું અનુકરણ પણ કરે. જ્યાં સુધી દક્ષિણ આફ્રિકાનું એક પણ બારું હિંદીઓને માટે ખુલ્લું હોય ત્યાં સુધી ટ્રાન્સવાલ સુરક્ષિત ગણાય નહીં. વળી તેમની દૃષ્ટિ પ્રમાણે સરકાર અને હિંદી કોમની વચ્ચેની સુલેહથી તો હિંદી કોમની પ્રતિષ્ઠા વધી ગણાય. મિ. કર્ટિસનો ઈરાદો એ પ્રતિષ્ઠા વધારવાનો નહીં પણ ઘટાડવાનો હતો. એમને હિંદીઓની સંમતિની જરૂર ન હતી. એ તો હિંદીઓ પર બાહ્ય અંકુશ મૂકી કાયદાના રોબથી કોમને થરથરાવવા ઈચ્છતા હતા. તેથી તેમણે એશિયાટિક એક્ટનો મુસદ્દો ઘડ્યો અને સરકારને સલાહ આપી કે એ મુસદ્દા પ્રમાણે જ્યાં સુધી કાયદો પસાર ન થાય ત્યાં સુધી છૂપી રીતે ટ્રાન્સવાલમાં હિંદીઓ દાખલ થવાના જ, અને એવી રીતે દાખલ થાય તેમને બહાર કાઢવાને સારુ ચાલુ કાયદાઓમાં કંઈ પણ સાધનો નથી. મિ. કર્ટિસની દલીલો અને મુસદ્દો સરકારને ગમ્યાં અને મુસદ્દા