આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રમાણે ત્યાંની ધારાસભામાં દાખલ કરવાનું બિલ ટ્રાન્સવાલ સરકારી ગેઝેટમાં પ્રગટ થયું.

આ બિલની વિગત પર હું આવું તે પહેલાં એક મહત્ત્વનો બનાવ બન્યો તે થોડા જ શબ્દોમાં વર્ણવી જવો એ જરૂરનું છે. સત્યાગ્રહનો પ્રેરક હું હોવાથી મારી સ્થિતિઓ વાંચનાર પૂરી રીતે સમજી શકે એ અગત્યનું છે. આમ ટ્રાન્સવાલના હિંદીઓ ઉપર અંકુશો મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા હતા તે જ અરસામાં નાતાલના હબસીઓ – ઝૂલુનું બંડ નાતાલમાં જાગ્યું. એ ઝઘડાને બંડ તરીકે ગણી શકાય કે નહીં એ વિશે મને શંકા હતી; આજે પણ શંકા છે; છતાં એ જ નામથી એ બનાવ નાતાલમાં હમેશાં ઓળખાયો છે. એ વખતે પણ નાતાલમાં રહેનારા ઘણા ગોરાઓ સ્વયંસેવક તરીકે એ બંડ શમાવવામાં દાખલ થયા. હું પણ નાતાલનો જ રહીશ ગણાતો; તેથી મને લાગ્યું કે મારે પણ તેમાં નોકરી કરવી જોઈએ. તેથી કોમની રજા લઈને ઘવાયેલાની સારવાર કરનારી ટુકડી ઊભી કરવા દેવાને મેં સરકારને કહેણ મોકલ્યું, એ કહેણ કબૂલ થયું. તેથી ટ્રાન્સવાલનું મારું ઘર છોડયું, બાળબચ્ચાંને નાતાલમાં જે ખેતર ઉપર 'ઈન્ડિયન ઓપીનિયન' નામનું છાપું ચલાવવામાં આવતું હતું અને જ્યાં મારા સહાયકો રહેતા હતા, ત્યાં મોકલી આપ્યાં. અૉફિસ ચાલુ રાખી હતી. હું જાણતો હતો કે મારે લાંબી નોકરી નહીં કરવી પડે.

વીસપચીસ માણસની નાની ટુકડી ઊભી કરી હું ફોજની સાથે જોડાઈ ગયો. આ નાની ટુકડીમાં પણ લગભગ બધી જાતિઓના હિંદુસ્તાની હતા. આ ટુકડીએ એક મહિનો નોકરી કરી. અમારા હાથમાં જે કામ આવ્યું તેને સારુ મેં હમેશાં ઈશ્વરનો અનુગ્રહ માનેલો છે. જે હબસીઓ જખમી થતા તેમને અમે ઉપાડીએ તો જ તે ઊપડે, નહીં તો એમ ને એમ રિબાય એ મેં અનુભવ્યું. આ જખમીઓના જખમની સારવાર કરવામાં કોઈ પણ ગોરાઓ સહાય થાય જ નહીં. જે શસ્ત્રવૈદ્યના[૧] હાથ નીચે અમારે કામ કરવાનું

  1. દા. સેવેજ.