આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ કાયદા તોડવાના ગુનાની સજા આ કાયદાની સજાની પાસે તો કંઈ જ નહીં. લાખો રૂપિયાનો વેપારી એ આ કાયદાની રૂએ દેશપાર થઈ શકે. એટલે કે એની આર્થિક સ્થિતિનો જડમૂળથી નાશ થઈ શકે એવી સ્થિતિ પણ એ કાયદાના ભંગથી પેદા થઈ શકે. અને ધીરજવાન વાંચનાર આગળ જતાં જોઈ શકશે કે એવા ભંગને સારુ દેશપાર થવાની સજાઓ પણ થઈ ચૂકેલી છે. ગુના કરનારી કોમોને સારુ હિંદુસ્તાનમાં કેટલાક આકરા કાયદાઓ છે. આ કાયદાની સરખામણી એ કાયદાઓની સાથે સહેજે થઈ શકે એમ છે, અને એકંદર સરખામણી કરતાં સખતીમાં આ કાયદો કોઈ પણ રીતે ઊતરે એમ ન કહી શકાય. જે દસે આંગળાં લેવાની આ કાયદામાં કલમ હતી તે દક્ષિણ આફિકામાં કેવળ નવી જ વાત હતી. આ બાબતનું સાહિત્ય વાંચવું જોઈએ એમ વિચારીને એક પોલીસ અમલદાર મિ. હેનરી 'અાંગળાંની નિશાનીઓ' (ફિંગર ઈમ્પ્રેશન્સ) એ નામનું પુસ્તક લખ્યું છે તે હું વાંચી ગયો. તેમાં મેં જોયું કે આમ કાયદેસર અાંગળાં કેવળ ગુનેગારોની પાસેથી જ લેવામાં આવે છે એટલે જબરદસ્તીથી દશ અાંગળાં લેવાની વાત અતિશય ભયંકર લાગી. સ્ત્રીઓએ પરવાના લેવા એ પ્રથા પણ આ ખરડામાં પહેલી દાખલ થઈ અને તે જ પ્રમાણે સોળ વરસની અંદરનાં બાળકોનું.

બીજે દિવસે આગેવાન હિંદીઓને ભેળા કરી મેં તેમને અા કાયદો અક્ષરેઅક્ષર સમજાવ્યો. પરિણામે જે અસર મારા ઉપર થઈ હતી તેવી જ અસર તેઓની ઉપર પણ થઈ. અને તેમાંના એક તો આવેશમાં બોલી ઊઠયા કે, “મારી ઓરતની પાસેથી પરવાનો માગવા આવે તે માણસને હું તો ત્યાં ને ત્યાં ઠાર જ કરું, પછી ભલે મારું ગમે તે થાય.” મેં તેમને શાંત પાડયા અને બધાને કહ્યું : “આ મામલો ઘણો જ ગંભીર છે. આ બિલ જ પસાર થાય અને આપણે તેને કબૂલ રાખીએ તો તેનું અનુકરણ આખા દક્ષિણ આફ્રિકામાં થવાનું. મને તો એનો હેતુ જ એ લાગે છે કે અાપણી અહીંની હસ્તી નાબૂદ કરવી. આ કાયદો એ કંઈ છેલ્લું પગથિયું નથી, પણ આપણને રિબાવીને દક્ષિણ આફ્રિકામાંથી નસાડવાનું પહેલું પગથિયું છે. એટલે આપણી ઉપર જવાબદારી માત્ર ટ્રાન્સવાલમાં